રૂદ્રમાતાના વિદ્યુત ચોરી કૌભાંડમાં ફરિયાદી બનેલ ઇજનેર જ આરોપી નીકળ્યો


ગત જૂન માસ,આ ભુજના રૂદ્રમાતા ડેમની સાઇટ પરથી ગેરકાયદેસર ટ્રાન્સફોર્મમર અને વીજ ઉપકરણો સાથે 36 લાખથી વધુની તસ્કરી પકડાઇ હતી. આ પ્રકરણમાં ફરિયાદ કરેલ ફરિયાદી ભુજ ગ્રામ્ય વીજ કચેરીના નાયબ ઇજનેર ખુદ આરોપી હોવાનું સામે આવ્યું. જીયુવીએનએલ પોલીસે કરેલી તપાસમાં 12 ઇસમોની સંડોવણી ખુલતાં આગળની કાર્યવાહી માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
ડેમ સાઇટ પર વીજ કંપનીના અધિક્ષક ઇજનેરે બાતમીના આધારે તપાસ કરાવતાં બે ગેરકાયેદે વીજ ટ્રાન્સફોર્મર સાથે વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું.ઘટનાને પગલે ભુજની ગ્રામ્ય વીજ કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર જીજ્ઞેશ ચૌધરીએ તેમના તાબા તળે આવતા વિસ્તારમાં થયેલ પાવર ચોરીની ફરિયાદ કરી જેને પગલે ગુજરાત ઉર્જા વિકાસ નિગમની પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી હતી. સમગ્ર પ્રકરણમાં ફરિયાદી બનેલા નાયબ ઇજનેર ખુદ જ ચોરીમાં મદદરૂપ બન્યા હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત લાઇનમેન કનુભાઇ કલાસવાની સંકડાયેલ હોવાનું પણ બહાર આવ્યું હતું. આ બંને ઉપરાંત અન્ય 10 આરોપીના નામ ખુલતાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.બનાવ સ્થળે મળેલા બે ટ્રાન્સફોર્મર અને કંડક્ટર કેબલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેનો તાગ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા.