પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં થતાં વધારા સાથે વાગડમાં ડીઝલની અવેજમાં વપરાતું કેમિકલ ઝડપાયું.
સતત વધતા જતા પ્રેટ્રોલ-ડિઝલનાં ભાવો વચ્ચે વાગડમાં ડીઝલની અવેજમાં વપરાતાં કેમિકલ અંગે પોલીસની આંખ ખૂલી હતી. પોલીસે ડિઝલની અવેજમાં વપરાતાં કેમિકલનો મોટો જથ્થો પકડી પાડતા રાપર મામલતદાર કચેરીથી માંડીને કચ્છનો પુરવઠા વિભાગ પણ શંકાનાં દાયરામાં આવી ગયા છે. કારણ કે અહીથી માત્ર મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો જ નહિ પરંતુ એક ખાનગી પ્રેટ્રોલ પંપ પણ મળી આવતા તેને સીલ કરી દેવાયો છે. રાપર તાલુકાનાં સલારી અને ફતેહગઢ ગામેથી પોલીસે કેમિકલથી ભરેલા બેરલ અને ખાનગી પ્રેટ્રોલ પંપ ઝડપી પાડી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ડિઝલનાં વધતાં જતાં ભાવ વચ્ચે પોલીસને શંકા થઈ કે ડિઝલને બદલે કામ આવતું કોઈ કેમિકલ વાગડમાં વેચાઈ રહ્યું છે. સલારી ગામના દેવજી મનજી બરવાડિયાની વાડીમાં પોલીસે તપાસ કરતાં ત્યાંથી કુવૈત દેશનાં માર્કાવારા કેમિકલથી ભરેલા 44 બેરલ અને ખાલી 17 બેરલ માર્યા હતા. એક સાથે 40ની ખેપ મારી શકાય તેવા ત્રણ ફેરા આરોપીએ કર્યા હતા. જેને પગલે પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ આગળની તજવીજ હાથ ધરી છે.