ભચાઉ પાસે કટિંગ સમયે જ ત્રાટકેલી SMC એ કુખ્યાત બુટલેગર ‘મામા’ નો ખેલ બગાડ્યો

copy image

ભચાઉ નજીક લોધેશ્વર પાંજરાપોળની પાછળ મામા પીરની દેરી પાસે ગત મધરાત્રે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ કટિંગ સમયે જ દરોડો પાડી કુખ્યાત બુટલેગર મામાનો ખેલ બગાડ્યો હતો અને રૂ.4.37 લાખની કી઼મતના વિદેશી શરાબ સાથે 4 જણાને પકડી લીધા હતા, જોકે મુખ્ય આરોપી સહિત 4 ફરાર રહ્યા હતા. વાહનો અને મોબાઇલ સહિત કુલ રૂ.18.54 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે ભચાઉ પોલીસને સોંપતાં આ દરોડાથી સ્થાનિક પોલીસ અંધારામાં જ રહી હતી.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PI જી.જે.રાવતની આગેવાનીમાં ટીમ કચ્છમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ભચાઉ થી ભુજ જતા રોડ પર લોધેશ્વરી ત્રણ રસ્તા થી લોધેશ્વર ગૌશાળા રોડ પર મામા પીરની ડેરી પાસેની પડતર ખુલ્લી જગ્યામાં ભચાઉના દરબારગઢમાં રહેતા બુટલેગર અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા પોતાના માણસો ભગીરથસિંહ ઉર્ફે ભગી જાડેજા, શિવમસિંહ ઉર્ફે ધર્મેન્દ્રસિંહ જાડેજા મારફત બહારથી વિદેશી દારુનો જથ્થો મંગાવી કટિંગ કરાવી રહ્યા છે.

આ બાતમીના આધારે ગુપ્ત વોચ ગોઠવી કટિંગ સમયે જ ત્રાટકેલી SMCને જોઇ અમુક ઇસમો ભાગી ગયા હતા. SMCની ટીમે રૂ.4,36,980 ની કિંમતના 1,076 બોટલ અને બિયરના ટીન અને રૂ.11,500 રોકડ સાથે શિવમસિંહ ઉર્ફે ધર્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા,જીતેન્દ્રસિંહ સરૂભા સોઢા અને હરદેવસિંહ ચંદનસિંહ વાઘેલાને પકડી રૂ.13,80,000 ની કિંમતના 7 વાહનો અને રૂ.26,000 ની કિંમતના 7 મોબાઇલ સહિત કુલ રૂ.18,54,480 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ માટે ભચાઉ પોલીસને સોપવામાંઆવ્યું. જ્યારે આ દરોડામાં મુખ્ય આરોપી અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા, ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા અને બે બાઇક ચાલક ફરાર થયા હતા.