પાટણનાં નવા બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થિનીઓ સામે બિભત્સ વર્તન કરતા રોમિયોને પોલીસે ઝડપ્યો


પાટણ શહેરનાં સદ્ધપુર હાઇવે પર આવેલા નવા બસ સ્ટેન્ડનાં બહારનાં ભાગમાં એક રોમિયો આવતી જતી છાત્રાઓને આંખોથી બિભત્સ ચેનચાળા કરીને હેરાન કરતો હોવાની જાણ કોઇએ પોલીસને કરતાં પાટણ એસ.ઓ.જી. પોલીસે સવારે 11 વાગ્યાનાં સુમારે એસ.ઓ.જી.નાં હેડ કોન્સ્ટેબલ કુલદિપભાઇ તથા વુમન કોન્સ્ટેબલ રજનીબેન તરત બસ સ્ટેન્ડમાં જઇ ચેનચાળા કરતાં રોમિયોને પકડી પાડ્યો હતો અને તેની સામે પાટણ બી-ડીવીઝન પોલીસ મથકે જી.પી. એક્ટ 110 અનુસાર ગુનો દર્જ કર્યો હતો.
પોલીસે તેનું નામ પુછતાં તેણે સાહિલ ઇનાયત મિરઝા (રહે. સમી મુળ રહે. પાલનપુર) હોવાનું જણાવ્યું. પોલીસને જાણકારી હતી કે, પાટણનાં નવા બસ સ્ટેન્ડની બહારનાં ભાગમાં કેટલાક અસામાજિક તત્વો બસ સ્ટેન્ડમાં આવતી જતી વિદ્યાર્થીનીઓને હેરાન પરેશાન કરતાં હોવાથી તેવા ઇસમોની વોચમાં બહાર ઉભા હતા ત્યારે આ શખ્સ ઝડપાયો હતો.