રામનગરીના બંધ ઘરમાંથી 1.43 લાખની તસ્કરી

રામનગરી વિસ્તારમાં બંધ ઘરને ચોરે નિશાને બનાવી રોકડા રૂપિયા 1.20 લાખ સહિત કુલ રૂપિયા 1.43 લાખની ચોરી કરતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી અનુસાર ,રામનગરીમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા ધનજીભાઈ વેરશીભાઈ દેવીપુજકે ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, બનાવ ગત તારીખ 7 સપ્ટેમ્બરથી 10 તારીખ સુધીમાં બન્યો છે.

તેમના બંધ ઘરમાં કોઈ અજાણ્યા સખ્શોએ ઘૂસી આવીને તિજોરીમાં રહેલા રોકડા રૂપિયા 1.20 લાખ તેમજ સોના ચાંદીના અન્ય ઘરેણા મળી કુલ રૂપિયા 1.46 લાખની ચોરી કરી હતી. આ ઘટના પાછળ જાણભેદુનો હાથ હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે.

પોલીસ દ્વારા પેટ્રોલિંગના દાવા કરવામાં આવતા હોય છે ત્યારે પેટ્રોલિંગ વચ્ચે જ મધ્યમવર્ગીય પરિવારના 1.43 લાખ રૂપિયાની માલમતાની ચોરી થઈ જતાં આ વિસ્તારના રહીશોમાં ચિંતા વ્યાપી હતી.નવનિયુક્ત પીઆઇ કે.સી. વાઘેલાને પૂછતા તેમણે હજી સુધી કોઈ પુરાવા મળ્યા ન હોવાનું કહ્યુ હતું.