રામવાવમાં હત્યાના ઇરાદાથી અપહરણ: યુવાનને પોલીસે બચાવ્યો

રાપર તાલુકામાં દિકરી સાથે પ્રેમ લગ્ન કરનાર જમાઇનું અપહરણ કરી બંધી બનાવી રૂ.20 હજારની લૂંટને અંજામ અપાયો હોવાનો બનાવની ફરિયાદ રાપર પોલીસ મથકે નોંધાઇ છે. રાપર પોલીસની સતર્કતાએ આજે એક યુનનો જીવ બચાવ્યો. બહેન જોડે કરેલાં પ્રેમલગ્નનો વેર રાખી ચાર ભાઈઓએ મારી નાખવાના ઈરાદાથી બનેવીને મુઢ માર મારી, અપહરણ કરી ઘરે લઈ જઈ હાથ-પગને રસ્સાથી બાંધી દીધા હતા.  પોલીસે દોડધામ કરી બંધક બનેલાં યુવાનને મુક્ત કરાવ્યો.

રાપરના પીછાણા વાડીવિસ્તારમાં રહી મજૂરી કામ કરતાં 25 વર્ષિય દેવજી બાબુભાઈ કોલીએ ગત નવેમ્બર 2021માં ત્રંબૌના મોહન દલા કોલીની દીકરી નયના જોડે પ્રેમલગ્ન કર્યાં. નયનાએ પરિવારજનોની મરજી વિરુદ્ધ દેવજી સાથે પ્રેમલગ્ન કર્યાં હતા.રામવાવમાં મેળો યોજાયો હોવાથી દેવજી મોટર સાયકલ લઈ મેળામાં ગયો હતો. મેળેથી બપોરે દોઢ વાગ્યે તે ઘરે પાછો ફરતો હતો ત્યારે રામવાવ ચોકડીએ અગાઉથી પ્લાન રચીને આવેલાં તેના ચાર સાળાએ તેને અટકાવી મૂકી મુઢ માર માર્યો હતો.

‘તું મેળે ફરવા આવવાનો છે તે અમને ખબર હતી એટલે અમે બધાં તને ઉપાડી જઈને પતાવી દેવાનું નક્કી કરીને આવ્યાં છીએ’ કહી સાળાઓએ જાહેરમાં માર માર્યો. ત્યારબાદ ચારેય દેવજીને પરાણે તેમની મોટર સાયકલ પર વચ્ચે બેસાડીને અપહરણ કરી તેમના ઘરે લઈ ગયાં. ત્યાં દેવજીનો સસરો મોહન કોલી પણ હાજર હતો. તમામ આરોપીઓએ દેવજીના હાથ પગ રસસીથી બાંધી દઈને તેને ફરી માર મારવાનું શરુ કર્યું  બીજી બાજુ, મેળામાં બંદોબસ્તમાં રહેલાં જમાદારને ફોન પર કોઈકે જાણ કરી કે રામવાવ ચોકડીએ એક યુવાનને માર મારી તેનું અપહરણ કરાયું છે.

આ અંગે જાણ થતાં જ પીઆઈ વી.કે. ગઢવી સહિતનો પોલીસ કાફલો યુવાનને શોધવા નીકળી ગયો હતો. આરોપીઓ દેવજીને બંધક બનાવીને માર મારતાં હતા તે વેળાએ જ પોલીસ આવી ચડતાં તેઓ ભાગી ગયાં હતા. પોલીસ દેવજીને મુક્ત કરાવી પોલીસ થાણે લઈ આવ્યા હતા. દેવજીએ તેના સસરા મોહન દલા કોલી અને ચાર સાળા નીલાભાઈ, દયાલ, તુલસી અને ધીરુ વિરુદ્ધ રાપર પોલીસ મથકે પ્લાન કરી અપહરણ કરી માર મારવાની ફરિયાદ દર્જ કરાવી છે. આરોપીઓએ દેવજીના ગળામાં રહેલો સોનાના પેન્ડેન્ટવાળો દોરો અને મોટર સાયકલ લઈ ગયાં હોવાથી પોલીસે લૂંટની કલમ પણ ઉમેરી છે.