ગાંધીધામમાં 4 અકસ્માત: બેની હાલત ગંભીર, એક કોમામાં

ગાંધીધામમાં બનેલી માર્ગ અકસ્માતની 4 અલગ અલગ ઘટનાઓમાં 4 ઇજાગ્રસ્ત થયા હતા તેમાંથી બેની હાલત ગંભીર છે તો એક કોમામાં હોવાની નોંધ પોલીસ ચોપડે નોંધાઈ છે. સંકુલમાં વધી રહેલી અકસ્માતના બનાવમાં મોટે ભાગે બેફામ ઝડપ અને હાલ થોડા દિવસોથી ખાડાઓ પણ કારણભૂત હોવાની ચર્ચા સંભળાઇ રહી છે.


કિડાણા રહેતા 32 વર્ષીય જુનસ ઇબ્રાહિમ મથડા ઘરે જઇ રહ્યા હતા ત્યારે ટાગોર રોડ પર ડો.હોતચંદાણી હોસ્પિટલ સામે તેઓ ઉભા રહ્યા તે દરમિયાન આદિપુર તરફથી પૂરઝડપે આવેલા બાઇક ચાલકે તેમની બાઇકમાં ટક્કર મારતાં તેઓ પડી ગયા જેમાં તેમને આખા શરીરે નાની મોટી ઇજાઓ થયા હોવાનું તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે નદાખલ કરેલ ફરિયાદમાં જણાવ્યું હતું.

સુંદરપુરીમાં રહેતા અને કોટકના ઇન્સ્પેક્શન ઇન્ડીયા પ્રા.લી.માં સર્વેયર તરીકે ફરજ બજાવતા 30 વર્ષીય શૈલેષભાઇ હેમાભાઇ વણકર કંડલાથી ગાંધીધામ બાઇક પર આવતા હતા ત્યારે તેઓ શ્રીજી ટર્મિનલના ગેટ-3 સામે પહોંચ્યા ત્યારે પૂરપાટે આવેલી ટ્રકની ટક્કર લાગતાં જમણા પગના સાથળ, ડાબા હાથના બાવડામાં તેમજ લીવરમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજા થઈ હતી. તેમણે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ કંડલા મરિન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી.

મુળ બનાસકાંઠા અને ગાંધીધામ સેશન્સ કોર્ટ મધ્યે આસિસ્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિખિલકુમાર રમણલાલ રોહિતના પત્ની નેર ગામે શિક્ષીકા તરીકે ફરજ બજાવતા હોવાટી ભચાઉના બંધડી ગામે રહે છે તેઓ કોર્ટમાં નોકરી પૂર્ણ કર્યા બાદ બાઇક પર બંધડી પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે સ્મશાન પુલિયો ઉતરતાં સી.સી. ગોડાઉન સામે પાછળથી પૂરઝડપે આવેલા ટ્રક ચાલકે તેમની બાઇક અડફેટે લેતાં મોઢા, છાતી, સાથળ જમણા હાથ અને પગમાં ઇજા તેમજ સાથળની ફાટી ગયેલી ચામડીમાં કાંકરા જવાને કારણે મસલ્સ અને લીગામેટમાં ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત સર્જી ભાગી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી.

સપનાનગર રોડ પર અજાણ્યા બાઇક ચાલકે રસ્તે પસાર થતાં યુવાનને ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોચી હતી. પોલીસે જણાવ્યુ કે મુળ ઉત્તરપ્રદેશના હાલમાં ગાંધીધામ રહેતા ઉમેશ લક્ષ્મીશંકર યાદવ તેના સહકર્મી પવનકુમાર કેવત સાથે રાત્રે સવા નવ વાગ્યે સપનાનગર રોડ પર પગપાળા ચાલી જમવા જતા હતા ત્યારે પૂરપાટે આવેલા બાઇક ચાલકે ઉમેશને અડફેટે લેતાં માથામાં અને ખભાના ભાગે ગંભીર ઇજા થતાં તે કોમામાં ચાલ્યો ગયો હોવાની જાણ તેના સાથીદાર પવનકુમારે યુપી રહેતા તેમના પરિવારને કરી. ગંભીર ઇજાગ્રસ્ત યુવકના ભાઇ નિતેશકુમાર લક્ષ્મીશંકર યાદવે બી-ડિવિઝન પોલીસ મથકમાં બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.