ભુજ ખાવડા રોડ પર નીલગાય સાથે બાઇક અથડાતાં અકસ્માત: એરફોર્સ જવાનનું મૃત્યુ, 1 ઇજાગ્રસ્ત

ભુજ ખાવડા રોડ પર પાલાર નજીક નીલ ગાય સાથે બાઇક અથડાતાં ભુજ એરફોર્સના એરમેન રામસિંગ હાકીમસિંગ સીકરવાલ (ઉ.વ.21)નું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું હતું. જયારે ચાલક જવાનને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.મુળ યુપીના હાલ રાજસ્થાન એરફોર્સમાં ફરજ બજાવતા રાકેશસિંગ હાકીમસિંગ સીકરવાલ (જાટ)એ બી ડિવિઝન પોલીસ મથકમાં બાઇક ચાલક ભુજ એરફોર્સના મનિષભાઇ સાગવાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદીના જણાવ્યા અનુસાર ફરિયાદીના નાના ભાઈ રામસિંગ અને આરોપી મનિષ બંને જણાઓ મોટર સાયકલથી ભુજ એરફોર્સ સ્ટેશનથી રૂદ્રાણી જતા હતા ત્યારે મનિષ મોટર સાયકલ ચલાવતો હતો. આ દરમિયાન પાલારા અને પેટ્રોલ પંપ વચ્ચે અચાનક નીલ ગાય વચ્ચે આવી જતાં બાઇક નીલ ગાય સાથે અથડાઇ હતી. જેમાં બાઇક પાછળ બેફેલા ફરિયાદીના ભાઇ રામસિંગનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું હતું. જ્યારે મનિષભાઇને ઇજા થઈ હતી. બેદરકારી રીતે બાઇક ચલાવીને ભાઇનું મૃત્યુ નીપજાવનાર મનિષભાઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. બી. ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.