બે બાઇકને ટક્કર મારીને ભાગેલી કારને પોલીસે ઝડપી

હાઇવે પર વધુ એક અકસ્માતના ઘટનામાં બેકાબૂ કાર બે બાઇકને ટક્કર મારી ભાગી ગઇ હતી. ઘટનાની જાણ થતા તરત પોલીસે અકસ્માત સર્જનાર કારને ચાલક સાથે ઘડપી લઈ ઘવાયેલા બે દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

સરધારના ખારચિયા ગામમાં રહેતા ધીરૂભાઇ મંગાભાઇ મકવાણા તેના પત્ની ગંગાબેન, નાનો ભાઇ દેવશીભાઇ, તેની પત્ની પ્રભા ચારેય અલગ અલગ બે બાઇકમાં ખારચિયાથી રાજકોટ આંબેડકરનગરમાં રહેતા સંબંધીને ત્યાં જવા નિકડ્યા હતા. હાઇવે પર બંને ભાઇઓ તેમના બાઇક આગળ પાછળ ચલાવી રહ્યા ત્યારે રાજસમઢિયાળા ગામ પાસે પહોંચતા એક કાર પૂરપાટે ધસી આવી બંને બાઇકને ઠોકર મારી ભાગી ગઇ હતી. અકસ્માતના કારણે બંને ભાઇઓ અને બંનેની પત્ની બાઇક પરથી રોડ પર પટકાયા હતા.

જેમાં ચારેયને ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન અહીંથી પસાર થતા અન્ય વાહનો રોકાઈ ગયા હતા અને કોઇએ તરત પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી દીધો હતો. ઘટનાને નજરે રાખી ખુદ એસીપી સહિતનો કાફલો ભાવનગર હાઇવે પર દોડી ગયો  અને ચારેય ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ શરૂ કરી. આ અંગેની તપાસ દરમિયાન મહિકા પાસેથી અકસ્માત સર્જનાર કારને ચાલક સાથે પકડી પાડ્યો હતો. આજી ડેમ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.