અડધો મહિનો વીતવા છતાં પગાર ન થતાં મુન્દ્રાના આરોગ્ય કર્મચારીઓ પરેશાન

સપ્ટેમ્બર મહિનો અડધો વીતી જવા છતાં વહીવટી ગૂંચામણને લીધે મુન્દ્રા તાલુકા હેલ્થ ઓફિસના કર્મચારીઓનું વેતન ન થતાં તેઓ આર્થિક રીતે પરેશાનીમાં મુકાયા હોવાના અહેવાલ સાંપડ્યા. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર તાલુકા હેલ્થ ઓફિસમાં 2 સીનીયર કલાર્કની જગ્યા ભરાયેલ હતી જેમાંથી દોઢેક મહિના પહેલા એક સીનીયર કલાર્કની અન્યત્ર વહીવટી બદલી કરવામાં આવી જ્યારે બીજા સીનીયર કલાર્કની નિમણુંક તો તાલુકા હેલ્થ ઓફિસમાં થઇ છે પરંતુ તેમને કામગીરી તાલુકા પંચાયતમાં કરવાની શરતે નિમણુંક કરવામાં આવી.
જેથી આરોગ્ય કર્મચારીઓનો સપ્ટેમ્બર મહિનાનો પગાર તાલુકા હેલ્થ ઓફિસરના ખાતામાં અઠવાડિયા પહેલા જમા થઈ ગયો છે સામાન્ય નિયમ અનુસાર તાલુકામાંથી કર્મચારીઓના ખાતામાં પગાર જમા કરાવવા ચેકમાં તાલુકા હેલ્થ ઓફિસર અને સિનિયર કલાર્કની સંયુક્ત સહીની જરૂર પડે છે પરંતુ તાલુકા હેલ્થ ઓફિસ મધ્યે નિમણુંક પામેલ સીનીયર ક્લાર્ક સક્ષમ અધિકારીનો પોતાની મૂળ જગ્યાએ કામગીરી કરવાનો આદેશ ન મળે ત્યાં સુધી ચેકમાં સહી કરવાનો ઇન્કાર કરી દેવાતા સો જેટલા આરોગ્ય કર્મચારીઓનો પગાર અટકતા તેઓ પરેશાનીમાં મુકાયા છે અને લોકો પાસેથી ઉછીના નાણાં લેવાનો વારો આવ્યાનું જણાઈ આવ્યું છે. આ અંગે તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વારંવાર જિલ્લાકક્ષાએ રજૂઆતો પણ કરાઇ છે.
તેમ છતાં પણ કોઈ યોગ્ય ફેસલો ન આવતા કર્મચારીઓ દ્વારા જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળનું ધ્યાન ખેચતા હોદેદારો એ તાત્કાલિક વહીવટી અધિકારીનો ચાર્જ સંભાળતા ડો. કેશવસિંઘની રૂબરૂ મુલાકાત કરીને રજુઆત કરી હતી. પ્રત્યુત્તરમાં એક – બે દિવસમાં સીનીયર ક્લાર્કનો ઓર્ડર થઈ જશે એવું આશ્વાસન આપ્યું.
પણ વહીવટી ગૂંચના લીધે સપ્ટેમ્બર મહિનામાં સમયસર પગાર જમા ન થવાના કારણે એકથી દસ તારીખ વચ્ચે બેંકમાંથી લીધેલી મકાન સહિતની લોનના હપ્તા ન ભરાવાથી વ્યાજનું ભારણ આરોગ્ય કર્મચારીઓ પડયું છે તો કેટલાક કર્મચારીઓનો તો પગાર ઉપર જ ઘરનો વહીવટ ચાલતો હોવાના કારણે રોજીંદા જીવન વ્યવહારમાં પણ પરેશાનીનો સામનો કરી રહ્યાનો બળાપો વ્યક્ત કરે છે.ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ક્રિષ્નાબેન ઢોલરીયા ,સમસ્યાનો ઉકેલ આવી ગયો હોઈ આગામી અઠવાડિયામાં કર્મચારીઓનું વેતન થઇ જવાનું જણાવ્યું હતું.