અમદાવાદમાં જ્વેલર્સના કર્મચારીને ધક્કો મારીને રૂ. 12.33 લાખના દાગીનાની લૂંટ કરી 2 બાઇક સવાર ફરાર

ચાંદલોડિયા વિસ્તારમાં પાનના ગલ્લે પાણીની બોટલ લેવા ઉભા રહેલા જ્વેલર્સના કર્મચારીને ધક્કો મારી બાઈક સવાર 2  રૂ.12.33 લાખની કિંમતના સોનાના દાગીના લૂંટીને પલાયન થઈ ગયા હતા. સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો દાખલ કરી બંને લુટારુઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

ચાંદલોડિયા વંદેમાતરમ મધ્યે એક વેપારીને સોનાના તૈયાર દાગીના બતાવવાના હોવાથી કલ્પેશભાઈ બપોરે તેમની સાથે નોકરી કરતા વિમલભાઈને લઈને નીકળ્યા તે બંને લોકો બપોરે 2.30 વાગ્યે વિશ્વવકર્મા મંદિરની સામે શ્લોક ઇન્ફિનિટી કોમ્પ્લેક્સની પાછળ આવેલા પાન પાર્લર મધ્યે વિમલભાઈ પાણીની બોટલ લેવા ગયા, જ્યારે કલ્પેશભાઈ એક્ટિવા પર બેઠા હતા. ત્યારે પાછળથી કાળા રંગના બાઈક પર આવેલા 2 સખ્શો પૈકી પાછળ બેઠેલાએ કલ્પેશભાઈને ધક્કો મારી પાડી દઈ તેમની પાસેથી દાગીના ભરેલી બેગ લૂંટી નાસી ગયા હતા. કલ્પેશભાઈ પાસેની બેગમાં 259 ગ્રામ વજનની સોનાના 25 ડોકિયા અને 25 જોડી સોનાની કાનની બુટ્ટી હતી.