અમદાવાદના સેટેલાઈટમાંથી 6 લાખના MD ડ્રગ્સની હેરાફેરી કરતાં 2 આરોપીઓ ઝડપાયા


શહેરના સેટેલાઈટ વિસ્તારમાં MD ડ્રગ્સની હેરાફેરી કરતાં બે યુવાનોને એસઓજીની ટીમે ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. એસઓજીના પીઆઈ પી.એમ. ગામીત, વાય. જે. રાઠોડ તથા ટીમે સેટેલાઈટ જોધપુરમાં વોચ ગોઠવી હતી .આ દરમિયાન પોલીસે બે વ્યક્તિઓને અટકાવી તપાસ કરતા મેફેડ્રોનનો જથ્થો 57 ગ્રામ (કિંમત રૂ. 5.71 લાખ)નો મળી આવ્યો હતો. પોલીસે પરબત બાબુભાઈ ઝાલા અને ઉશામા શાહીદ અહેમદ બક્ષીની સામે ગુનો દાખલ કરી અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી કુલ 6.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
એમડી ડ્રગ્સ સાથે પકડાયા પછી આરોપી પરબત ઝાલાના ઘરમાં પણ પોલીસે વધુ ડ્રગ્સ છુપાવ્યું હોવાની શંકા સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જો કે કોઈ વાંધાજનક વસ્તુ મળી નહતી. પોલીસે આ અંગે પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા પરબત ઝાલાએ કહ્યું હતું કે તેને MD ડ્રગ્સનો જથ્થો ઉશામા બક્ષી પાસેથી મળ્યો હતો. પોલીસે ઉશામાની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે શાહપુરના સાકીબ ઉર્ફે ચન્ના પાસેથી તે આ MD ડ્રગ્સ વેચવા માટે લાવ્યો હતો. પોલીસે શાકીબ ચન્નાને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.