લાકડિયાની ગૌચર પર સોલાર પ્લાન્ટની મંજૂરી સામે વિરોધનો વંટોળ વાયો

copy image

ભચાઉ તાલુકાના લાકડિયા ગામમાં ગૌચર જમીન પર સોલાર પ્લાન્ટને મંજૂરી આપવા સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે અને આ અંગે ગ્રામજનો દ્વારા ભચાઉ પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.. લાકડિયાના ખડતારાં વિસ્તારમાં ગૌચર માટે જમીન અપાઈ હતી, જેમાં ગાયો પાણી પી શકે તે હેતુસર તલાવડી પણ બનાવાઈ છે. જો કે, હાલે આ જમીન પર ગાયોના હક્ક ઉપર સંબંધિત કંપનીએ તરાપ મારી હોવાના આરોપ સાથે ગ્રામજનોએ જણાવ્યું હતું કે,આ  જમીન નીચેથી ગેલ ઇન્ડિયાની ગેસ તેલની પાઇપલાઈન પસાર થાય છે.

 તેમજ હાલમાં જમીનનો હેતુફેર કરી દેવામાં આવ્યો છે અને સોલાર પ્લાન્ટ એટલે કે, અહીં એક ઔધોગિક એકમની સ્થાપના કરવામાં આવવાની છે, જેની સામે વિરોધનો વંટોળ વાયો છે. ચરિયાણ જમીન પર તાત્કાલિક ધોરણે સોલાર પ્લાન્ટની મંજૂરીને અટકાવીને ફરીથી આ જમીન ગૌચર નીમ કરવાની માંગણી સાથે નીલ વિંઝોડા સહિત 17 લોકોની સહી સાથેનું આવેદનપત્ર ભચાઉ પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું છે. વધુમાં જો આ અંગે કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઈ છે.