ડાવરીના યુવાનને આખલાએ લીધું હડફેટે: શિંગડું થયું ગરદનમાંથી આરપાર


રાપર તાલુકાના ડાવરી ગામનો ખેડૂત યુવાન અને તેનો ભાઈ બાઇક પર ફતેહગઢના મેળામાંથી પાછા ફરી રહ્યા ત્યારે રસ્તા પર પસાર થતાં આખલાએ બંનેને શિંગડામાં ભરાવી ઉછાડ્યા હતા, જેમાં એક ભાઈને શિંગડું ગરદનમાંથી આરપાર થઇ જતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેથી તાત્કાલિક તેને સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તબીબી સ્ટાફની મહેનત અને આવડતથી યુવાનનો જીવ બચી ગયો હતો.
રાપર તાલુકાના ડાવરીમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા વિરમ બધાભાઈ કોલી અને તેમના ભાઈ કમલેશ બધાભાઈ કોલી ફતેહગઢના મેળામાંથી મોડી સાંજના પોતાના ગામ ડાવરી પાછા આવી રહ્યા હતા તે દરમિયાન ડાવરી પાસે જ રોડ પર ધસી આવેલા એક આખલાએ બંને ભાઈઓને શિંગડા ભરાવીને ઉછાળ્યા હતા. જેથી બાઈક અને બંને ભાઈઓ દુર ફંગોળાયા હતા.
જેમાં નાના ભાઈ કમલેશ બધાભાઈ કોલી (ઉં.વ.22)ના ગાળામાંથી શિંગડું આરપાર થઇ જતાં સાથે રહેલા તેમના મોટા ભાઈએ તરત જ 108ને ફોન કરતાં ટીમે કમલેશને પ્રથમ રાપરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જો કે, કમલેશની હાલત ખુબ જ નાજુક હોવાટી ફરજ પરના તબીબે તાત્કાલિક રાજકોટ અથવા અમદાવાદ લઇ જવા સલાહ આપી હતી.
આ સમયે હાજર સગા સંબંધીઓમાંથી કોઈએ જણાવ્યું કે, 108 વડે સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલમાં લઈ જઈએ તો યોગ્ય સારવાર મળી રહેશે અને સમય પણ બચશે. ત્યારબાદ રાત્રિના સમયે સામખિયાળીની હોસ્પિટલમાં કમલેશને લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબ વિવેક દેત્રોજા અને ડોક્ટર નિશિતા દ્વારા ગંભીર રીતે ઘવાયેલા યુવાનની સારવાર શરૂ કરાઇ હતી અને છેવટે સફળ ઓપરેશન કરી યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો.
માતૃસ્પર્શ હોસ્પિટલના સંચાલક વિકાસ રાજગોર અને હોસ્પિટલના એમએસ ડો. વિવેક દેત્રોજા દ્વારા માત્ર રૂ.40,000માં યુવાનને આઈસીયુ સહિતની સેવાઓ આપી માનવતા દાખવી હતી.