તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં ખેડૂતોનો પ્રાંત કચેરીને ઘેરાવ, જાહેરનામામાં ફેર વિચારણાની કરી માંગ

copy image

માંડવી તાલુકાના ત્રગડીથી મુન્દ્રા તાલુકાના ગુંદાલા સુધી એચપીસીએલ ની પાઇપ લાઈન આરોપણ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા બંન્ને તાલુકાના કિસાનો ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ છેલ્લા ત્રણ દિવસથી મામલતદાર કચેરી સમક્ષ ધરણાં પર બેઠાં હતા.પરંતુ તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં ભૂમિપુત્રોએ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી હવે સમસ્યાનો નિરાકરણ ન આવેતો ચળવળ ને વધારે ઉગ્ર બનાવાની ચીમકી આપી છે.

વહેલી સવારે કચેરીએ ઘસી ગયેલા કિસાનોએ પ્રાંત કચેરી ખાતે પોતાની લાગણી વર્ણવતા ઓઇલ કંપનીની પાઇપ લાઈન થકી કિસાનોની ફળદ્રુપ જમીન પ્રભાવિત થવા પર ભાર મૂકી કોરોના અને કમોસમી વરસાદને લીધે ખેડૂતોની આર્થિક હાલત વધુ કફોડી બની ગઈ છે ત્યારે ઉપરોક્ત ગતિવિધિ પડ્યા પર પાટુ સમાન હોવાનો આક્રોશ જાહેર કરી ભૂગર્ભ લાઈન ને દરિયા કિનારે થી લઇ જવાની માંગ કરાઇ હતી.

જેના પ્રત્યુત્તર માં પ્રાંત અધિકારી ચેતન મિસણે તેમની લાગણી ઉચ્ચ સ્તરે પહોંચાડી જાહેરનામા પર ફેર વિચારણા કરવા બનતા પ્રયત્નો કરવાનું આશ્વાસન આપતાં હાલ પૂરતા કિસાનો છાવણીમાં પાછા ફર્યા હતા.પરંતુ સમિતિના પ્રમુખ નારાણ ભારુ ગઢવીએ જો પ્રશાસન તરફથી હકારાત્મક પ્રતિસાદ નહી મળે તો લડત ને વધુ ઉગ્ર બનાવાનું આક્રોશ પૂર્વક જણાવ્યું હતું.