સિવિલના વર્ગ-4 ના કર્મીઓએ દિવાળી સમયે પગાર કપાવાની ચિંતામાં હડતાળ સમેટી લીધી

શહેરની નવી સિવિલ હોસ્પિટલના વર્ગ-4ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ બુધવારથી પગાર વધારા સહિતના મુદ્દે કરેલી હડતાળ પાડી હતી, જે શુક્રવાર બપોરે સુધીમાં કોઇપણ વેતન વધારા વગર જ પૂરી થઈ હતી. સત્તાધીશોએ વેતન વધારવાનો અધિકાર સરકાર પાસે હોવાનું જણાવી હાથ ઉંચા કરી લીધાં હતાં. જોકે મહિનો પૂર્ણ થાય તે પહેલાં થતાં પગાર હવે 10મી તારીખ સુધીમાં કરી આપવાની સાથે પગાર સ્લીપ પણ આપવાની માંગ પર સહમતી દર્શાવી હતી. કર્મચારીઓ સાથે થતી ગેરવર્તણૂક અને તેમને દબાવવાના પ્રયાસ સામે હવે કડકાઈથી પગલાં ભરાશે એવી પણ સુપ્રિટેન્ડન્ટે હૈયાધરપત આપી હતી.
સુપ્રિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકર, આરએમઓ ડો. કેતન નાયક, સીએમએ ડો. ચૌધરી અને ડો. લક્ષ્મણ સહિતના અધિકારીઓએ શુક્રવારે સવારથી જ હડતાળિયા કર્મીઓના મનામણા શરૂ કરી દીધા હતા. જો કે, આગેવાનો અડગ રહેતાં આખરે ગાંધીનગરથી મંજૂરી વગર કંઈ જ શક્ય ન હોવાનું સત્તાધિશોએ રટણ ચલાવ્યું હતું. માત્ર સમયસર પગાર કરી આપવાની વાત માની હતી. આ ઉપરાંત સામી દિવાળીએ પગાર કપાય જવાની ચિંતા પણ કર્મીઓમાં દેખાઇ હતી.