સ્વચ્છતામાં સુરત દેશ બીજા ક્રમે, ગાર્બેજ ફ્રી સિટી બનાવવામાં નગરપાલિકા ‘ફેઇલ’

copy image

સુરત સ્વચ્છતા માટે દેશમાં નંબર 1 આવવા હકદાર હોવા છતાં આ વર્ષે ફરીથી બીજા નંબરથી સંતોષ માનવો પડ્યો છે. સફાઈ કામદારો સ્વચ્છતા માટે રાત-દિવસ, વરસાદ-તડકો પણ જોતા નથી ને નિરંતર કામ કરતા રહે છે. પરંતુ જ્યારે પ્લાસ્ટિક ફ્રી સિટીની વાત આવે છે ત્યારે પાલિકાના કેટલાક બાબુઓ દેખાડા માટે એક-બે દિવસ કામ કરે છે અને પછી જ્યાં સફાઈ થઈ હોય તેના બીજા જ દિવસે ફરીથી પ્લાસ્ટિક-ગંદકીના ઢગ જોવા મળે છે.

આ જ એક સૌથી મોટું કારણ છે કે સુરત ફરી નંબર 2 પર જ રહ્યું છે. ગાર્બેજ ફ્રી સિટી કેટેગરીમાં સુરતને 5-સ્ટાર જ મળ્યા છે જ્યારે ઇન્દોર 7 સ્ટાર લઈ ગયું છે. ઈન્દોરે સતત છઠ્ઠી વખત પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. નવી મુંબઇ ત્રીજા ક્રમે આવ્યું છે. સુરતનો આવો જ પરર્ફોમન્સ રહ્યો તો નવી મુંબઇ જેવાં શહેર આગળ નીકળી જાય તો નવાઈ નહીં. સિટીઝન વોઇસ (ફિડબેક) માં ઇન્દોર કરતાં સારો પરર્ફોમન્સ આપનારું સુરત આ વખતે પાછું પડ્યું છે. ગયા વર્ષે કચરાના એક્ત્રિકરણ, સેગ્રિગેશન અને નિકાલમાં પણ પાછળ છે. આ વખતે ઇન્દોરે કુલ 7146 માર્ક્સ મેળવ્યાં છે જ્યારે સુરતે 6925 મેળવ્યાં છે.