લિંબાયતમાં ઘરમાં ગરબા રમતા-રમતા યુવકનું મૃત્યુ નીપજયું


લિંબાયતમાં ઘરમાં ગરબા રમતા રમતા એક યુવકનું અચાનક છાતીમાં દુઃખાવો થયા પછી મૃત્યુ થયું હતું. લિંબાયત આકાર રેસીડેન્સીમાં રહેતા દિપક માધવ પાટીલ(34)હીરાના કારખાનામાં કામ કરતા હતા. દિપક અને મિત્રએ પત્ની સાથે ગરબા રમવા જવાના હતા. મિત્રના ઘરે મહેમાન આવી જતા ગરબા રમવા જવાનું રદ થયું હતું. જેથી દિપક અને પત્નીએ ઘરમાં જ દોઢીયા રમવાનું ચાલુ કર્યું હતું. થોડા સમય પછી તેની પત્ની બેસી ગઇ હતી. જ્યારે દિપક સતત ગરબા રમી રહ્યો હતો. આ દરમિયાન ઓછીતું છાતીમાં દુઃખાવો થતા તે નીચે બેસી ગયા પછી બેહોશ થઈ ગયો હતો.
જેથી તેને ખાનગી હોસ્પિટલ અને બાદમાં સ્મીમેર લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. લિંબાયત પોલીસે દિપકનું પીએમ કરાવ્યું હતું. દિપકનું કાર્ડિયાક અરેસ્ટના લીધે મોત નિપજ્યું હોવાની શક્યતા વ્યકત કરાઇ રહી છે. આ વિશે ડો.ધિરેન પટેલના જણાવ્યા અનુસાર ફાસ્ટ ગરબા રમતી વખતે ધબકારા અનિયમીત થયા પછી કાર્ડિયાક અરેસ્ટ થાય તો દર્દીનું મૃત્યુ થઈ શકે છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટની તકલીફ હોય તેમણે ડોક્ટર પાસે ચેકઅપ કરાવી ડોક્ટરની સલાહ પછી ગરબા રમવા જોઈએ અને ખાસ ફાસ્ટ ગરબા રમવાનું ટાળવું જોઈએ.