‘પત્નીથી કંટાળી મારે આપઘાત કરવો છે’ લખી પતિ થયો ગુમ

ગાંધીધામમાં પોતે પત્નીથી કંટાળેલો હોઇ આપઘાત કરવા માગે છે તેવી ચિઠ્ઠી લખ્યા પછી પતિ બે દિવસથી ગુમ થયો હોવાની ગૂમનોંધ એ-ડિવિઝન પોલીસ મથકે દાખલ કરાઇ છે. મુળ રાજસ્થાનના હાલમાં ભારતનગરમાં રહેતા 31 વર્ષીય લોકેશ જગદિશપ્રસાદ કુરીલે નોંધાવેલી ગૂમ નોંધમાં જણાવ્યા અનુસાર, તેનો 33 વર્ષીય ભાઇ નિતેશ જગદિશપ્રસાદ કુરીલ ટીબીઆઇ 40 ક્વાર્ટર્સમાં ભાડના મકાનમાં રહે છે અને રેલ્વે કોલોની ગેટ પાસે ચા ની દુકાન ચલાવે છે.તેની પત્ની સાથે તકરાર થયા પછી તે પિયર ઉજ્જૈન ચાલી ગઇ હતી.

તા.30/9 ના નિતેશના મકાન માલિકે તેમને નિતેશ ગઇકાલથી ઘરે ન આવ્યો હોવાની જાણ કરવામાં આવતા તેઓ ઘરે ગયા તો નીતેશે લખેલી ચીઠ્ઠી મળી હતી જેમાં પોતે પત્નીથી કંટાળી આત્મહત્યા કરવા માગે છે લખ્યું હતું. આ અંગે તેમણે ગૂમનોંધ એ-ડિવિઝન પોલીસ મથકે દાખલ કરાવી હતી. બનાવના પગલે ગુમ થયેલા યુવાનના સ્નેહિજનો તેની શોધખોળમાં લાગ્યા હતા. તો પોલીસ દ્વારા પણ ભાળ મેળવવા માટેના ચક્રો ગતિમાન કરાયા હતા. ગુમ થયેલા યુવાનની ચીઠ્ઠી મળ્યા પછી સમગ્ર ઘટના સામે આવવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે.