જૂનાગઢમાં એક ઇસમે જૂની અદાવતમાં જાહેર રસ્તા પર બુલેટને આગ લગાવી :આરોપીએ ઘટનાસ્થળે જ ઊભા રહી વિડીયો બનાવ્યો

copy image

જૂનાગઢમાં રવિવારે સાંજે ગિરનાર દરવાજા નજીક જાહેરમાં એક ઇસમે બુલેટમાં આગ લગાવી દેતા વાહનચાલકો અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બુલેટના માલિક સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુદ્દે સમાધાન કરવા પૈસાની માગણી કરી આરોપીઓએ આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ અંગે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં રહેતા મીત સોંદરવા નામના યુવક સામે પાંચ મહિના પૂર્વે ભવનાથ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ કરાયો હતો. ત્યાર પછી જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશમાં મીત સોંદરવા સામે દુષ્કર્મનો ગુનો પણ દાખલ કરાયો હતો. આ બંને કેસમાં મીત સોદરવા પાસેથી ફરિયાદીઓ સમાધાન પેટે પૈસાની માગણી કરતા હતા, પરંતુ મીત પૈસા ન આપતો હોવાટી આરોપી અફઝલે મીતને સમાધાન માટે બોલાવ્યો. જૂની અદાવતનું મનદુઃખ રાખી અફઝલે જાહેરમાં જ મીત સોંદરવાના બુલેટને આગ લગાવી દીધી હતી.

અફઝલે જાહેરમાં બુલેટ સળગાવી દેવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો  છે. બે મિનિટના વીડિયોના પ્રારંભમાં અફઝલ બુલેટ પાસે ઊભો છે. ત્યાર પછી પોતાના ફોનથી સેલ્ફી મોડમાં કોઈ અન્ય વ્યક્તિને બુલેટ બતાવી રહ્યો છે. ત્યાર પછી બુલેટને આગ લગાવી દેતાં ગણતરીની મિનિટમાં આખું બુલેટમાં આગ ફેલાઈ જાય છે. સળગતા બુલેટનો વીડિયો પણ અફઝલ બનાવી કોઈ અન્ય વ્યક્તિને બતાવતો જોવા મળી રહ્યો છે. વાઈરલ વીડિયોમાં અફઝલ પોતાના હાથ પર છરીના ચેકા મારતો પણ નજરે પડ્યો છે. જાહેર રસ્તા પર જ્યારે બુલેટને આગ લગાવવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં રાહદારીઓ અને વાહનચાલકો રસ્તા પરથી પસાર થતાં હતા, જેને લીધે અફરાતફરી મચી હતી.

બુલેટ સળગાવી દેવા બાબતે અફઝલ કાળુભાઈ સીડા, સાહિલ કાળુભાઈ સીડા તથા દકુબેન સામે જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.