મોરબી પાસે ફેક્ટરીમાં લોડરની હડફેટે આવી જતાં દોઢ વર્ષના બાળકનું મોત; લોડર ચાલક ફરાર

copy image

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલા સિરામિકના માટી ખાતામાં દોઢ વર્ષનું બાળક રમતુ હતું  ત્યારે લોડરની ટક્કરે આવી  જતા બાળકનું કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માત પછી લોડર સ્થળ પર મૂકી આરોપી ભાગી ગયો હોવાની ઘટના મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર મૂળ બિહારના વતની અને હાલ લાલપર ગામમાં પાયોનીયર સિરામિકમાં રહીને મજુરી કરતા મિથલેશ ચંદ્રિકાભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે પાયોનીયર સિરામિકના માટી ખાતામાં તેઓ મજુરી કામ કરે છે અને તેનો દોઢ વર્ષનો દીકરો છોટુ ત્યાં રમી રહ્યો હતો ત્યારે લોડર જીજે 36 એસ 2368ના ચાલકે લોડર પુરપાટે ચલાવી રીવર્સ લેતા સમયે માટીમાં રમતા દોઢ વર્ષના છોટુને ઠોકરે લીધો હતો. જેમાં લોડરનું મોટું વ્હીલ ચડાવી દેતાં ગંભીર ઈજા પહોચતા બાળકનું મૃત્યુ નીપજયું હતું. અકસ્માત સર્જી લોડર ચાલક લોડર સ્થળ પર મૂકી ભાગી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે લોડર ચાલક સામે અકસ્માતની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.