દાહોદના ભીટોડીમાં ચાલીને જૈ રહેલા દાદા-પૌત્રને ઈક્કોના ચાલકે ઠોકરે લેતા બંનેના મોત


દાહોદ તાલુકાના ભીટોડી ગામમાં એક ઈક્કો ગાડીના ચાલકે રસ્તે ચાલતાં પસાર થતા દાદા – પૌત્રને ઠોકરે લેતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં દાદાનું ઘટના સ્થળે અને પૌત્રનું સારવાર દરમ્યાન મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાયો હતો.
દાહોદ તાલુકાના ભીટોડી ગામમાં સરપંચ ફળિયામાં રહેતાં 62 વર્ષીય જીનુભાઈ શીશકાભાઈ ડામોર તેમના 8 વર્ષીય પૌત્ર પવનકુમાર અરવિંદભાઈ ડામોરને લઈને નીકળ્યા હતા. બંને દાદા – પૌત્ર ભીટોડી ગામેથી ચાલતાં પસાર થતા હતા તે સમયે એક ઈક્કો ગાડીનો ચાલક પોતાની ગાડી પુરપાટે અને બેદરકારીથી હંકારી આવ્યો હતો. આ ચાલકે ચાલતાં જતાં જીનુભાઈ અને પવનકુમારને ઠોકરે લેતાં અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમા બંને દાદા – પૌત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.જેમાં જીનુભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગમાં ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મોત થયું હતું.
પૌત્ર પવનકુમારને પણ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને પણ સારવાર માટે નજીકના દવાખાને ખસેડાયો હતો પરંતુ કમનસીબે આઠ વર્ષિય પૌત્ર પવનકુમારનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ થતાં પંથકમાં ચકચાર મચી હતી. આ સંદર્ભે ભીટોડી ગામમાં સરપંચ ફળિયામાં રહેતાં રસલીબેન જીનુભાઈ ડામોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.