બરવાળા-અમદાવાદ હાઇવે પર અકસ્માત :કાર-એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત, કારચાલક ફરાર


બરવાળા-અમદાવાદ હાઇવે પર તુલસી હોટલ નજીક એક્ટિવા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જે બનાવમાં બાઇકચાલક યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે આવી મૃતદેહને પી.એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવમાં આધેડના મોતથી પરિવારજનોમાં શોક ફેલાયો હતો.
બરવાળા શહેરના ખોડીયાર મંદિર પાસે તુલસી હોટલ પાસે બરવાળા ધંધુકા હાઇવે પર એક્ટિવા અને કારનો અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવા ચાલકનું મોત થતાં કાર ચાલક કાર છોડી પલાયન થઈ ગયો હતો. બરવાળા-ધંધુકા રોડ પર એક્ટિવા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થતાં એક્ટિવાના 2 ટુકડા થઈ ગયા હતા. અકસ્માતમાં તુલસી હોટલમાં મજૂરી કરતા અને બરવાળા શહેરના ચરમાળીયા શેરી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સુરેશ કાળુ ગોરાહવા નામના યુવાનને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.
અકસ્માતની જાણ 108 ટીમને થતાં બરવાળા 108 ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ઈજાગ્રસ્તનું મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બરવાળા પોલીસને જાણ કરાતા બરવાળા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી મૃતકને એમ્બ્યુલન્સ વડે પીએમ માટે બરવાળા સામૂહિક કેન્દ્ર મધ્યે લઈ જવાયો હતો. બરવાળા પોલીસે અકસ્માત વિશેની તપાસ હાથ ધરી જ્યારે મૃતકના સાળાએ અકસ્માત સર્જી ફરાર થનાર કારચાલક સામે બરવાળા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેને લઈ બરવાળા પોલીસે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.