આભડછેટ નાબૂદીની માંગ સાથે જસદણ, વીંછિયામાં 90 મીટરના બેનર સાથે પ્રદર્શન

aabhadchet
copy image

જસદણ અને વીંછિયા તાલુકામાં દલિત સમાજના આગેવાનો દ્વારા નવસર્જન  NGOના ડાયાભાઈ દાફડા અને મંજુલાબેન મકવાણા સહિતના કાર્યકરોને સાથે રાખી આભડછેટ નાબુદી કરવા સહિતની માંગ સાથેનું 90 મીટર લાંબુ બેનર લઈ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બેનરમાં લખવામાં આવ્યું હતું કે, જે પક્ષના ચૂંટણી ઢંઢેરામાં આભડછેટ નાબૂદ કરવાનું નક્કર આયોજન હોય તેને જ અમે મત આપીશું. આ પ્રદર્શનમાં જસદણ અને વીંછિયા તાલુકાના દલિત સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

આ અંગે રાજકોટના નવસર્જન NGO ના કાર્યકર ડાયાભાઈ દાફડાએ જણાવ્યું હતું કે, પુનઃ કરાર 1932 માં થયો ત્યારે તે કરારમાં ગાંધીજીએ અને બાબા સાહેબ આંબેડકરે ઘણી ચર્ચાઓ કરેલી. ત્યારે બાબા સાહેબે એવું કહ્યું કે અમને ડબલ મતાધિકાર આપો. જેથી કરીને અમે અમારો જે પ્રતિનિધિ છે તેને અમે ચૂંટી દઈએ અને અમારો પ્રતિનિધિ અમારું કામ કરશે. પણ ગાંધીજી તે વાતમાં સહમત ન થયા અને આઝાદીના 75 વર્ષ થયા અને પુનઃ કરારના 90 વર્ષ થયા તેમ છતાં આ દેશમાં ભેદભાવ ગયો નથી. આજે આખા દેશમાં આભડછેટ જોવા મળે છે.

ખરેખર અમે આ આભડછેટ સામે ઝઝૂમીએ છીએ પણ તેનું કોઈ પરિણામ આવતું નથી. હવે અમે નક્કી કર્યું છે કે અમારો મત પવિત્ર મત છે અને કોઈ મત લેતા અભડાતા નથી. જેથી જે કોઈ પક્ષ હોય તે દલિતોના જે પ્રશ્નો છે તેને પોતાના ચૂંટણી ઢંઢેરામાં મુકે તેવા લોકોને જ અમે મત આપવાના છીએ. નહિતર અમે મત આપવાના નથી. અમે રાજકોટ જિલ્લાના 6 તાલુકામાં આ પ્રદર્શન ગોઠવવાના છીએ તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.