મીઠાપુર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત: 1નું મોત, 3 ઘાયલ

બાવળા તાલુકાના મીઠાપુર ગામના 2 વ્યકિત અને 2 બાળક બાઇક ઉપર બગોદરા જતા હતાં ત્યારે ગામના પાટીયા નજીક હાઇ-વે ઉપર કોઈ અજાણ્યા કારના ચાલકે પુર પાટે અને બેદરકારીથી ચલાવીને બાઇકને ઠોકર મારતાં 1 વ્યકિતનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જયારે 1 વ્યકિત અને 2 બાળકોને નાની-મોટી ઇજા પહોચી હતી. કાર ચાલક એક્સીડેન્ટ કરીને નાસી ગયો હતો. બગોદરા પોલીસમાં કાર ચાલક સામે અકસ્માતની ફરીયાદ દાખલ કરાવતા બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. બાવળા તાલુકાના મીઠાપુર ગામમાં રહેતાં કાળુભાઇ રુપસંગભાઇ ગોહેલ, તેમનો દિકરો નિતેશભાઇ કાળુભાઇ ગોહેલ, નિતેશભાઇનો દિકરો મિલન (ઉ.વ.1.5 વર્ષ) અને તેમનાં ભાઈનો દિકરો ઉમંગ વિક્રમભાઇ ગોહેલ બાઇક લઇને બગોદરા જતા હતા. બગોદરા ભોગાવો બ્રિજ પહેલા કાળાસરના ઠેબા પાસેથી પસાર થતા હતાં ત્યારે લીંબડી તરફથી આવી રહેલી 1 કાર ચાલકે પુરપાટે ચલાવીને બાઇકના પાછળનાં ભાગમાં જોરદાર ઠોકર મારતાં ચારેય વ્યકિતને ઇજાઓ પહોચી હતી.

કાર ચાલક ગાડી લઇને નાસી ગયો હતો. અકસ્માત થતાં લોકો એકત્ર થઇ ગયા હતાં અને કોઇએ 108ની ઇમરજન્સી સેવાને ફોન કરતાં તરત જ 108 આવી જઈને તપાસ કરતાં કાળુભાઇને માથામાં ગંભીર ઇજા પહોચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું અને 3ને ઇજા પહોચતા બગોદરા સરકારી દવાખાને લઈ જવાયા હતાં ત્યાં પ્રાથમિક સારવાર આપીને નિતેશભાઇને માથામાં વધારે વાગ્યું હોવાથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ સીવીલ હોસ્પીટલ સારવાર માટે લઈ જવાયા હતાં. જેથી રાજુભાઇ મોબુભાઇ ગોહેલે બગોદરા પોલીસમાં કાર ચાલક સામે અકસ્માતની ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરીને લાશનું પી.એમ.કરાવીને ભાગી ગયેલા કાર ચાલકને પકડી પાડવાં માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.