રાપરના ફતેગઢ-ગેડી વચ્ચેના માર્ગ પર અકસ્માત: મુસાફરોથી ભરેલું પિકઅપ વાહન પલટી ખાઈ જતાં 30થી વધુ ઘાયલ


રાપર તાલુકાના ફતેગઢ ગેડી વચ્ચેના સાનગઢ પાટિયા પાસે આજે સવારે 11.30ની આસપાસ પિકઅપ વાહન પલટી ખાઈ જતા ભારે દોડધામ મચી જવા પામી હતી. વાહનમાં 40 જેટલા મુસાફરો ખીચોખીચ ભરેલા હતા. તમામને સામાન્યથી ગંભીર ઈજા થઈ છે. અકસ્માતથી હાઈવે દર્દનાક ચીસોથી ગુંજયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિની હાલત ગંભીર અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતમાં ઇજા પામેલા લોકો તાલુકાના મોમાઇમોરા મધ્યે યોજાયેલા મેળામા ગયા હતા અને ત્યાંથી આજે પાછા આવતી વેળાએ દુર્ઘટના બની હતી. ઇજાગ્રસ્ત લોકોને ખાનગી વાહન તથા 108 સહિતની એમ્બ્યુલન્સ વડે સારવાર માટે વિવિધ હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યાં છે.
આ અંગે મળેલી પ્રાથમિક માહિતી અનુસાર રાપરના મોમાઇમોરા મધ્યે યોજાયેલા મેળામાંથી 40 જેટલા લોકો એક પિકઅપ વાહન વડે પાછા આવતા હતા ત્યારે સવારે 11.30 વાગ્યા પછીના સમયગાળામાં તેમનું વાહન ફતેગઢ ડેમ આગળના સાનગઢ પાસે કોઈ કારણોસર માર્ગ પર પલટી ખાઈ ગયું હતું. જેથી તેમાં સવાર લોકો માર્ગ પર ફાંગોળાયા હતા અને લોકોથી ભરેલું વાહન દૂર સુધી ઘસડાયું હતું.
અકસ્માતના પગલે ઇજા પામેલા મુસાફરોને સામાન્યથી અસ્થિભાંગ સહિતની ઈજાઓ થઈ છે. જેમને ઘટના પછી એકત્ર થઈ ગયેલા લોકોએ ખાનગી વાહનો અને 108 સહિતની એમ્બ્યુલન્સ વડે રાપર, ભચાઉ, ગાંધીધામ તેમજ ભુજ સુધીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમા ત્રણથી ચાર લોકોની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. તો 30થી વધુ ઘાયલોને રાપર સરકારી હોસ્પિટલ મધ્યે લવાતા અહીં માત્ર એક જ ડોક્ટર હાજર હોવાથી પ્રાથમિક સારવાર આપવામાં અસર થઈ હતી. જેના લીધે થોડીવાર માટે વાતાવરણ તંગ બનવા પામ્યું હતું. રાપર પોલીસે અકસ્માત અંગેની તજવીજ હાથ ધરી છે.