ઇ-બાઇકના શો રૂમમાં આગ ભભૂકતા દોડધામ મચી, 2 વાહન બળ્યાં

copy image

શહેરના ન્યુ કારેલીબાગ સયાજીપુરા પાણીની ટાંકી પાસે આવેલા ઈલેક્ટ્રીક બાઈકના શો રૂમમાં સાંજે આગ લાગતા દોડધામ  મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડની ટીમે બંધ શો રૂમને ખોલી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આ આગના કારણે બે બાઇકને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડને જણાવ્યા અનુસાર ન્યુ કારેલીબાગ સયાજીપુરા પાણીની ટાંકી નજીક દર્શનમ એપાર્ટમેન્ટ આવેલું છે. જેમાં ધ્યાના રિનેવેબલ નામની ઇલેક્ટ્રિક બાઇકનો શો રૂમ આવેલ છે. સાંજે બંધ શો રૂમમાં એકાએક ધુમાડા નીકળતા સ્થાનિક લોકોએ આ વિશેની જાણ દુકાનના માલિક તેમજ ફાયરબ્રિગેડને કરી હતી.

જેને સંદર્ભે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. શોરૂમ બંધ હોવાથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શટર ખોલી આગ પર પાણીનો મારો ચલાવાયો હતો. આ ઘટનામાં બે ઈલેક્ટ્રીક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ બનાવ અંગે ડીલર પ્રગ્નેશ ડોડીયાએ જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટને લીધે લાગી છે તેમજ જે સમય આગ લાગી તે સમયે બંને વાહનોમાં બેટરી પણ નહતી. શોરૂમ બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી.