તું કંપનીમાં શેઠને અમારા વિરુદ્ધ કેમ ચડાવે છે કહી વાઘરોડાના યુવકને માર મારતા ફરિયાદ નોંધાઈ


ખાવડ ગામમાં આવેલી કંપનીમાંથી પોતાના ઘરે જઈ રહેલા વાઘરોડા ગામના યુવાનને રસ્તામાં કડીના વરખડિયા ગામના ત્રણ ઇસમોએ બાઈક ઊભું રખાવી તું કંપનીમાં શેઠને અમારા વિરુદ્ધ કેમ ચડાવે છે નું કહી ધોકા અને ગડદાપાટુનો માર માર્યો. યુવાનની ફરિયાદ આધારે બાવલુ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કડી તાલુકાના વાઘરોડા ગામનો ગૌરાંગ કેશાજી ઠાકોર ખાવડ ગામે આવેલી સરસ્વતી કંપનીમાંથી બાઇક પર ઘરે જતો હતો તે દરમિયાન વાઘરોડા ચોકડી પર રુધિક ઠાકોર, આનંદ ઠાકોર અને ચેતન ઠાકોર નામના ત્રણ લોકોએ બાઇક ઊભું રખાવી તું આપણા કંપનીના શેઠને અમારા વિરુદ્ધ કેમ ચડાવે છે તેમ કહ્યું હતું.
આથી ગૌરાંગે હું તમારા અંગે ચડામણી નથી કરતો તેમ કહેતાં ત્રણે જણાએ ઉશ્કેરાઈને ગાળો બોલી ગૌરાંગને ગડદાપાટુ અને લાકડાના ધોકાથી માર માર્યો. રાડારાડી કરતાં વાઘરોડા ગામના આજુબાજુના માણસો આવી જતાં ત્રણે જણા ભાગી ગયા હતા. ગૌરાંગ ઠાકોરે કલ્યાણપુરા પ્રાથમિક સારવાર લઈ પોતાને માર મારનાર ઠાકોર રુધિકજી રમેશજી ઠાકોર, આનંદ સુનિલજી તેમજ ઠાકોર ચેતનજી સુનિલજી સામે ફરિયાદ દાખલ કરાવતા બાવલુ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.