આણંદના અહીમા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા આધેડનું મોત


આણંદના અહીમા ગામમાં બે બાઇક સામસામે અથડાતાં ગંભીર અકસ્માત થયો હતો. જેમાં એક આધેડનું મૃત્યુ થયું હતું. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ડાકોરના વેરાઇ માતાના મંદિર સામે રહેતા જીતેન્દ્ર ગોકળભાઈ ઝાલા છેલ્લા કેટલાક સમયથી સુંદલપુરા તાબે ગુલાબપુરામાં સ્થાયી થયાં છે. તેઓ ખેતીવાડી તેમજ કેટર્સનો વ્યવસાય કરે છે. જીતેન્દ્ર રાત્રિના ડાકોર હતાં. તે દરમિયાન તેમને જાણ થઇ કે, તેમના પિતા ગોકળ ઝાલાને અહીમા-બાજીપુરા ટી પોઇન્ટ પર અકસ્માત થયો છે અને સારવાર અર્થે ઓડ સરકારી દવાખાને લઇ જવાયા છે. આથી, જીતેન્દ્ર તાત્કાલિક ઓડ સરકારી દવાખાને પહોંચ્યાં હતાં પરંતુ તેમના પિતાનું મૃત્યુ થયું હોવાનું તબીબે જણાવ્યું હતું.
આ વિશે જાણવા મળ્યું હતું કે, ગોકળ ઝાલા અહીમા ગામથી સાંજના બાજીપુરા ગામ તરફ બાઇક લઇને જઈ રહ્યા હતા તે દરમિયાન બાજીપુરા ગામ તરફથી આવતા અન્ય બાઇક નં. (GJ 23 DN 0330)ના ચાલકે તેનું બાઇક પુરપાટે અને બેદરકારીથી હંકારી ગોકળ રતાભાઈ ઝાલાના બાઇકને જોરદાર ઠોકર મારી દીધી હતી. આ બંને બાઇક સામસામે અથડાતાં ગોકળભાઈને ગંભીર ઇજા થતાં મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ખંભોળજ પોલીસે બાઇક નં. (GJ 23 DN 0330)ના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.