બીલીમોરા પોલીસે જળ માર્ગે લાવવામાં આવતા 3.84 લાખના દારૂ સાથે 2ને ઝડપ્યા


બીલીમોરા પોલીસે બાતમી આધારે પોંસરી ગામમાં નદીમાં જળમાર્ગે હોડી દ્વારા બીલીમોરા લાવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂ. 3.84 લાખ સાથે બે બૂટલેગરને પકડી લીધા હતા. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયના માર્ગદર્શન તળે બીલીમોરા પીએસઆઇ ડી.આર.પઢેરીયા અને તેમની ટીમ સાથે બીલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં કરી રહી હતી તે દરમિયાન તેમની ટીમના શૈલેશ બળવંતભાઈને બાતમી મળી હતી કે, બીલીમોરા પાસેના પોંસરી ગામમાં ચાલતી રેતીની લીઝની જગ્યા પાસે નદી કિનારે દરિયાઈ ખાડીમાં જળમાર્ગે એક બોટમાં દારૂની હેરફેર કરાઈ રહી છે.
બાતમીના આધારે તેઓ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. બાતમીવાળી જગ્યા પોંસરી નદી કિનારે બોટમાં દારૂની હેરફેર કરાઈ રહી હતી ત્યારે જેમને પકડી પાડી દારૂ સગેવગે કરનાર રોશન પટેલ (ઉ.વ. 26, પોંસરી, ભુલીયા ફળિયા), નીલ પટેલ (ઉ.વ. 23, પારનેરા, લીમડા ચોક, વલસાડ)ને પકડી લીધા હતા.
જ્યારે દારૂ મંગાવનાર મનિષ પટેલ (રહે. છરવાડા) અને વીરાજ ઉફે ડોયો પટેલ (રહે. પોંસરી, માધેલા ફળિયા)ને ફરાર જાહેર કરાયા હતા. આ ઘટનામાં પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ટીન બિયર મળી કુલ 5136 નંગ કિંમત રૂ. 3.84 લાખ, જળમાર્ગે દારૂનું વહન કરવા માટે વપરાયેલ બોટ કિંમત રૂ.70 હજાર, મોબાઈલ કિંમત રૂ. 5 હજાર દારૂ લઈ જવા માટે આવેલ કાર (નં. GJ-21-W-5548) કિંમત રૂ. 3.50 લાખ મળી રૂ. 8.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો બુટલેગરો સામે બીલીમોરા પોલીસે પ્રોહિબિશનના કાયદા મુજબનો ગુનો દાખલ કરી પીએસઆઇ ડી.આર.પઢેરિયા તપાસ કરી રહ્યાં છે.