પાનોલી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ બાઈકચાલકને ઝડપી પાડી યુવક પાસેથી 45 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

copy image

અંકલેશ્વર તાલુકા પોલીસે પાનોલી જી.આઈ.ડી.સીની ગુજરાત એગ્રો ચોકડી પાસેથી નંબર પ્લેટ વિનાની બાઈક અને ફોન સાથે એક શંકાસ્પદ સખ્શને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસે આરોપી પાસેથી એક બાઈક અને ત્રણ મોબાઈલ મળી કુલ 45 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પાનોલી જી.આઈ.ડી.સી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે દરમિયાન ગુજરાત એગ્રો ચોકડીએ વોચ ગોઠવી હતી. તે સમયે એક સખ્શ નંબરપ્લેટ વિનાની બાઈક લઈને આવતા પોલીસ દ્વારા તેને અટકાવાઇ બાઈકના દસ્તાવેજો માંગતા તેણે આનાકાની કરી હતી. જ્યારે તેની અંગ જડતી કરાતા તેની પાસેથી ત્રણ નંગ મોબાઈલ મળ્યા હતા. જેના સંદર્ભે પણ પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપી શક્યો નહિ. જેથી પોલીસે કોસંબાના ચિશ્તીનગર પાણીની ટાંકી સામે રહેતા યુનુસ ઉસ્માન મુલતાનીની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી તેની પાસે રહેલી બાઈક અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 45 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.