ભુજ ફાઇનાન્સ પેઢીમાં નકલી દાગીનાને અસલી બતાવીને બે શખ્સોએ કરી 2.51 લાખની છેતરપિંડી


ભુજની મુથુટ ફિનકોર્પ નામની ફાઇનાન્સ પેઢીમાંથી સોનાના દાગીના પર લોન 1.84 લાખની લોન લઇ છેલ્લા બે વર્ષથી દાગીના છોડાવવા ન આવનાર ભુજના બે સખ્શો વિરુદ્ધ પેઢીના બ્રાન્ચ મેનેજરે આરોપીઓ સામે લોનના વ્યાજ સહિત 2,51,177ની છેતરપીંડીની ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી વિગતો અનુસાર ભુજના ક્લાસીક એપાર્ટમેન્ટમાં રહેતા અને સોનાના દર-દાગીના પર લોન આપતી હોસ્પિટલ રોડ પર સ્થિત મુથુટ ફિનકોર્પ નામની ફાઈનાન્સ પેઢીની ભુજ બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા સોનમ ઉથવભાઇ શાહએ ઉમેદનગરમાં રહેતા અંકુર પ્રદીપભાઈ જોષી અને બકાલી કોલોનીમાં રહેતાં લંઘા અબ્દુલ સત્તાર સીધીક નામના ઈસમ સામે ઠગાઇ કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે.
આરોપીઓએ બે વર્ષ પૂર્વે નકલી દાગીનાને અસલી બતાવીને અસલ ડોક્યુમેન્ટના આધારે અલગ અલગ તારીખે મુથુટ ફિનકોર્પની ભુજ બ્રાન્ચમાંથી સોનાના દાગીના પ૨ રૂપિયા 1,84,353ની લોન લીધી હતી. લોન પછી દાગીના છોડાવવા ના આવતાં કંપનીએ જમા કરાયેલાં દાગીનાની તપાસ કરાવતાં તપાસ દરમિયાન એ દાગીના ખોટા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ સામે લોન અને વ્યાજ સહિત રૂપિયા 2,51,177 રકમની ઠગાઇ કરી ફાઇનાન્સ પેઢી સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.