વોંધ નજીક પેટ્રોલપમ્પના પાર્કિંગમાંથી 6.30 લાખનું બાયો ડિઝલ પકડાયું


ભચાઉ તાલુકાના વોંધ નજીક આવેલા આઇઓસીના પેટ્રોલપમ્પના પાર્કિંગમાંથી બાતમીના આધારે રેડ પાડી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રુ.6.30 લાખનું ગેરકાયદેસર સંગ્રહ કરેલું બેઝ ઓઇલ પકડી પાડી ચાલક , આ જથ્થો મગાવનાર અને તપાસમાં જે નિકળે તેના સામે ભચાઉ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.
એલસીબી પીઆઇ એમ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે, ટીમ ભચાઉ નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વોંધ પાસેના પેટ્રોલપમ્પના પાર્કિંગમાં ઉભેલા ટેન્કર અને ટાંકામાં ગેરકાયદેસર રીતે બેઝ ઓઇલનો જથ્થો રાખેલો છે અને સપ્લાય કરવાની પેરવી કરવામાં આવી રહી હોવાની સચોટ બાતમી મળી હતી.
આ બાતમીના આધારે પેટ્રોલપમ્પ ઉપર રેડ પાડી આઇઓસીના લોગો સાથેના ટેન્કરમાં તપાસ કરતાં તેમાં બેઝ ઓઇલ ભરેલું હોવાનું જણાતાં આ પેટ્રોલિયમ પેદાશ માટેના આધાર પુરાવા માંગતા ચાલક રામાભાઇ દેવાભાઇ રબારી પાસે આધાર પુરાવા ન હોવાટી રૂ.6,30,000 ની કિંમતના 9,000 લીટર બેઝ ઓઇલનો જથ્થો જપ્ત કરી ટેન્કર સહિત કુલ રૂ.16,30,000 નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક, આ જથ્થો મગાવનાર સામખિયાળીના યશપાલસિંહ જાડેજા અને તપાસમાં જે નિકળે તેમના સામે ભચાઉ પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
LCBએ વોંધ પાસેના પેટ્રોલપમ્પ પર રેડ પાડી રૂ.6.30 લાખનું બેઝ ઓઇલ કબ્જે કર્યા બાદ ત્યાં હાજર ટેન્કર ચાલક રામાભાઇ દેવાભાઇ ભરવાડની કરેલી પ્રાથમિક પુછપરછમાં આ બેઝ ઓઇલનો જથ્થો સામખિયાળીના યશપાલસિંહ જાડેજાએ મુન્દ્રાથી રૂ.70 ના ભાવમાં 9000 લીટર ખરીદી કરી તા.3/10 ના મગાવ્યો હોવાનું જણાવ્યું હતું.