ડભોઇમાં વીજવાયરોની ચોરી કરનારા 2 આરોપીઓને રૂ. 6.71 લાખની મતા સાથે ઝડપી પાડતી વાઘોડિયા પોલીસ


વાઘોડિયા પોલીસ રાત્રી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એમજીવીસીએલની જીવંત વીજ લાઇનના જથ્થાબંધ એલ્યુમિનિયમના વાયરો કાપી ચોરી કરી કારમાં લઈ જતા સખ્શોને ઝડપી પાડ્યા હતા. કાર અને ચોરીના વીજ વાયરો સાથે વાઘોડિયા પોલીસે રૂા.6,71,940 ના મુદ્દામાલ સાથે 2ને પકડી લીધા હતા. ત્યારે તેમના અન્ય સાથીદારોના નામ સામે આવતા સાથે ડભોઇના ભાયાપુરા, અંબાવ, કુંઢેલા અને વણાદરાની સીમમા થયેલ વીજવાયરોની ચોરીઓ પણ કબૂલતાં ડભોઇ પોલીસે ટ્રાન્સફર વોરંટથી બંનેનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી છે.
ડભોઇ MGVCL ની વિભાગીય કચેરીના તાબામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાંથી પાછલા ઘણા સમયથી એલ્યુમિનિયમના ચાલુ વીજ કેબલોની ચોરીઓ થતી હતી. જેની ફરિયાદો પણ ડે.ઇજનેર દ્વારા ડભોઇ પોલીસમાં દાખલ કરાવી હતી. ત્યારે ચોરો પકડાયા ન હતા. પરંતુ હાલમાં જ વાઘોડિયા પોલીસ રાતે પીપળીયા ગામ પાસે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળેલ કે એક અર્ટીગા કારમાં એલ્યુમિનિયમના વીજવાયરોનો શંકાસ્પદ જથ્થો ભરીને વાઘોડિયા તરફથી વડોદરા તરફ બે સખ્શો કારમાં જઈ રહ્યા છે.
બાતમીના આધારે પીપળીયા પાસે રસ્તાની આડસ કરી પોલીસે બાતમી મુજબની કાર સાથે બે સખ્શોને પકડી લીધા હતા. જેઓના નામઠામ પૂછવામાં આવતા ભગવાનલાલ બાલુરામજી ગુજ્જર મૂળ રહે. રાજસ્થાન હાલ રહે.વડોદરા ઉપરાંત તેની સાથેનો સખ્શ શેરખાન સિકંદરભાઇ સિંધી રહે.સેગુવાડા તા.ડભોઇનો હોવાનું જણાવ્યું હતું.
તો ગેંગના અન્ય સાથીદારોમાં શ્રવણલાલ ચીતરમલ ગુજ્જર, ભેરુસિંગ, શંકરસિંગ, રમેશ તથા કમલેશ તમામ રહે.રાજસ્થાનના હોવાનુ જણાવ્યું હતું. જેથી પોલીસે તમામ વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરી ઝડપાયેલા સખ્શોની કડકાઈથી પૂછપરછ કરતાં વાઘોડિયા સહિત ડભોઇના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લાખોની મતાના વીજ વાયરોની ચોરી કરી હોવાની કબૂલ કર્યું હતું. જેથી ડભોઇ પોલીસે ટ્રાન્સફર વોરંટથી બંને આરોપીઓ પર કબ્જો મેળવી રિમાન્ડની તજવીજ સાથે આગળની તપાસ હાથ ધરી છે.