મહિલાએ આડાસંબંધ રાખવાનો ઇનકાર કરતાં જેઠે ચાકુથી હુમલો કર્યો

ખંભાત તાલુકના ઉંદેલમાં રહેતી પરિણીતાને તેના જેઠ દ્વારા લગ્નેત્તર સંબંધ બાંધવાનું કહેતા પરિણીતાએ ના કહી હતી. જેને પગલે ઉશ્કેરાઈ ગયેલા જેઠે ચપ્પાંથી ભાભી પર હુમલો કર્યો હતો. આ મામલે પરિણીતાએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

ઉંદેલ ગામના ટાવરવાળા ફળિયામાં રહેતા જીગ્નેશભાઈ પારેખ સલૂનનું કામ કરી ગુજરાન ચલાવે છે. તેમની 26 વર્ષીય પત્નિ જ્યોતિબેનને તેમનો જેઠ શૈલેષ રમેશભાઈ જોટંગિયા અવાર નવાર ફોન કરી તેમને લગ્નેત્તર સંબંધ બાંધવાનું કહી પરેશાન કરતો હતો. બુધવારે સાંજે જ્યોતિબેન તેમના 3 વર્ષના દીકરા સાથે ઘરમાં હતા અને તેમના પતિ ઘરે આવ્યા ન હતા નહિ.

ત્યારે શૈલેશે ત્યાં આવી પહોંચ્યો હતો અને સંબંધ બાંધવા જબરદસ્તી કરી હતી. ત્યારે જ્યોતિબેને ઈન્કાર કરી પતિને બોલાવવા ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેના હાથમાંથી શૈલેશે ફોન છીનવી લઈ ઉશ્કેરાઈને ચપ્પા વડે તેણીને ઇજાઓ પહોંચાડી હતી. અને જો તે સંબંધ નહીં બાંધે તો તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યોતિબેને બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકઠા થઈ ત્યાં આવી પહોંચ્યા હતા. જેથી આરોપી શૈલેષ ત્યાંથી નાસી ગયો હતો.