તારાપુરમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ક્લીનરનું મોત


તારાપુરના વટામણ ધોરી માર્ગ પર સોજિત્રા ટી પોઇન્ટ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જુનાગઢના ચોરવાડ મધ્યે રહેતાં જીતુભાઈ ચુડાસમાના પિતા બાબુભાઈ ચુડાસમા મજુરી કામ સાથે ટ્રકમાં ક્લીનર તરીકે પણ કામ કરે છે. તેઓ બપોરના રાજાભાઈ સેવરા (રહે.ચોરવાડ) સાથે ટ્રક નં.જીજે 11 એક્સ 8235 લઇને સુરત જવા રવાના થયા હતાં. જેમાં કંડક્ટર તરીકે બાબુભાઈ ચુડાસમા અને ચાલક રાજાભાઈ હતાં. તેઓ રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં સુરતથી તેલના ખાલી ડબ્બા ભરી પાછા જુનાગઢ આવવા માટે નિકળ્યાં હતાં. રાત્રિના નવેક વાગ્યાના સમયગાળામાં તારાપુર ચોકડી પાસે પહોંચતાં રોડની બાજુમાં મિનિટ્રક ઉભી હતી. જેની સાથે ચાલકની ગફલતના લીધે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં બાબુભાઈને ગંભીર ઇજા થતાં તારાપુર સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ વિશે તારાપુર પોલીસે રાજાભાઈ દેવાભાઈ સેવરા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.