અંકલેશ્વર શહેર પોલીસે મકાનમાં છુપાવી રાખવામાં આવેલો દારૂનો જથ્થો ઝડપી પાડી આરોપીને વોન્ટેડ જાહેર કર્યો


અંકલેશ્વર શહેર પોલીસે સાંઇલોક રેસીડન્સીમાં ભાડે મકાન રાખીને અંદર દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો. આ વિશેની માહિતીના આધારે પોલીસે નાની-મોટી બોટલો મળીને રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા એસપી ડૉ.લીના પાટીલે જિલ્લામાં જુગાર અને પ્રોહીબીશનની પ્રવૃતિઓ ચલાવતા સખ્શોને ડામી દેવા જિલ્લાના દરેક અધિકારીઓને સૂચનાઓ આપાઇ હતી. જેના આધારે અંકલેશ્વરના DYSP ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ હતી. આ દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસના પીઆઇ આર.એચ.વાળા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે, શહેર તાડ ફળિયામાં રહેતો શાહરૂખ નજીર પઠાણે ને.હા.નં -48 ઉપર રાજપીપળા ચોકડી પાસે આવેલા સાંઇલોક રેસીડન્સીમાં ભાડેથી મકાન નં-બી- 5માં મોટા પ્રમાણ ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે.
પોલીસે બાતમીના આધારે પંચોની હાજરીમાં મહિતીવાળા સ્થળ પર દરોડો પાડતા મકાન બંધ હતું અને દરવાજાને તાળું માર્યું હતું. પોલીસે મકાનનું લોક તોડી દરવાજો ખોલી અંદર મકાનમાં તપાસતા મકાનના પહેલા રૂમમાંથી તથા બાથરૂમમાંથી જુદી જુદી બ્રાન્ડના ઇંગ્લીશ દારૂના બોક્ષ મળ્યા હતા. જેમાં પોલીસે કાચની બોટલ નંગ -768 તથા બીયર ટીન નંગ 288 મળી કુલ બોટલ, બીયર ટીન નંગ-1056 કુલ કિંમત રૂ.1,05,600નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.