પુત્ર કામ ધંધો કરતો ન હોવાથી ખુદ પિતાએ કુહાડીના 6 ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતાં મરીન પોલીસમાં ફરિયાદ નોંધાઈ

જાફરાબાદના વારાહસ્વરૂપમા રહેતો એક યુવક કોઇ કામ ધંધો કરતો ન હોવાથી તેના પિતાએ કુહાડીના છ ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા તેણે સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. આ અંગે તેની સામે જાફરાબાદ મરીન પોલીસમા ફરિયાદ દાખલ કરાવાઈ છે.

અહી રહેતા જીવુબેન બાબુભાઇ સાખંટ (ઉ.વ.45) નામના મહિલાએ જાફરાબાદ મરીન પોલીસ મથકમા દાખલ કરાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેનો દીકરો રામભાઇ છેલ્લા ઘણા સમયથી મજુરી કામે જતો ન હોવાથી અને કાંઇ કામ ધંધો કરતો ન હોવાથી તેના પિતા બાબુભાઇ અવારનવાર તેને ટોકતા હતા.

જો કે તેમ છતા આ યુવક કોઇ કામ ધંધો કરતો ન હોય બપોરે રામ ઘરે સુતો હતો તે દરમિયાન તેના પિતા બાબુભાઇએ તેની સાથે બોલાચાલી કરી કુહાડીના છ ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. બનાવની જાણ થતા તેના માતા જીવુબેન સહિત લોકો ઘરે દોડી આવ્યા હતા.