સુરત પોલીસે 1.5 કરોડના ડ્રગ્સ કેસમાં મુંબઈના નાલા સોપારા મધ્યેથી માતા-પુત્રની અટકાયત કરી

copy image

સુરતમાં ગત 29 સપ્ટેમ્બરના રોજ પુણા પોલીસ મથકની હદમાં આવેલા નિયોલ ચેક પોસ્ટ પાસેથી અજમેરના રહેવાસી યુવકને દોઢ કરોડથી વધુના એમડી ડ્રગ્સ સાથે પોલીસે પકડી પાડ્યો હતો. યુવક સુરતમાં ડ્રગ્સની ડિલિવરી આપવા માટે આવ્યો હતો. આ ઘટનામાં ડીસીબી પોલીસે મુંબઈ નાલા સોપારા મધ્યે રહેતા માતા-પુત્રની અટકાયત કરી છે અને તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કર્યું છે. આ અભિયાન અંતર્ગત પોલીસ ડ્રગ્સ, ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરતા સખ્શોને પકડી પાડી જેલભેગા કરાઈ રહ્યા છે. આ દરમિયાન ગત 29-09-2022ના રોજ પુણા પોલીસ મથકની હદમાં આવેલા નિયોલ ચેક પોસ્ટ પાસેથી પોલીસે અજમેરના રહેવાસી અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રતઅલી સૈયદને દોઢ કરોડથી વધુના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં તેને ડ્રગ્સનો જથ્થો મુંબઈ નાલા સોપારા મધ્યે રહેતા સખ્શે આપ્યો હતો અને સુરતમાં તે ડ્રગ્સની ડિલિવરી આપવા માટે આવ્યો હતો. આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે સમગ્ર મામલાની તપાસ પણ સુરત ક્રાઈમ બ્રાંચને સોપાઇ હતી.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ બનાવમાં મુંબઈ નાલા સોપારાના રહેવાસી સફાતખાન ઉર્ફે બલ્લુ ઉર્ફે નિહાલ ઉર્ફે નવાબ રહીશખાન તથા તેની માતા કૌશર ઇમરાન ઉર્ફે ઇમાં મલિક અબ્દુલ શેખની અટકાયત કરી છે. સફાતખાન ઉર્ફે બલ્લુને કોર્ટમાં રજૂ કરી પોલીસે 8-10-2022 સુધીના રિમાન્ડ મેળવાયા છે. જ્યારે તેની માતા 15-10-2022 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે. વધુમાં પકડાયેલ કૌશલ ઇમરાન ઉર્ફે ઇમાં પૂર્વે 45 કિલો ચરસ સાથે મુંબઈ એનસીબીમાં પકડાઈ હતી. તેનો પતિ પણ એનડીપીએસના ગુનામાં જેલમાં હોવાનું પોલીસ દ્વ્રારા જણાવાયુ હતું.