કાનમેરમાં પોલીસે ફિલ્મી રીતે પીછો કરી 92 હજારના દારૂ સાથે 1 શખ્સને ઝડપી લીધું


રાપર તાલુકાના કાનમેર ગામની સીમમાં આડેસર પોલીસે ફીલ્મી રીતે પીછો કરી રૂ.92 હજારના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને પકડી બાઇક તેમજ મોબાઇલ સહિત કુલ રૂ.1.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હાજર ન મળેલા 2 શખ્સો સહિત 3 વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
આડેસર પોલીસ મથકના PSI બી.જી.રાવલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ ગાગોદર ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, કાનમેરનો ધનરાજ નારૂદાન ગઢવી અને હમીરપરનો મહાવિરસિંહ ભીખુભા વાઘેલા બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઇ કાનમેર ત્રણ રસ્તા તરફ નિકળવાના છે. આ બાતમીના આધારે ત્યા઼ વોચ ગોઠવી ઉભા હતા તે દરમિયાન બાઇક પર કાળો થેલો લઇને 2 જણા આવી રહ્યા હતા તેને બાઇક રોકવા ઇશારો કર્યો તો તેમણે બાઇક ભગાવ્યું હતું જેનો પોલીસે પીછો કરતાં થેલો બાવળની ઝાડીમાં ફગાવી બાઇક મુકી 2 જણા નાસ્યા હતા જેમાંથી ધનરાજ નારૂદાન ગઢવીને પીછો કરી પકડી લીધો હતો.
તેમણે ઘા કરેલા થેલામાંથી રૂ.59,000 ની કિંમતના વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના 590 ક્વાર્ટરિયા અને રૂ.33,600 ની કિંમતના બિયરના 336 ટીન મળી કુલ રૂ.92,600 ની કિંમતના દારૂ અને બિયરનો જથ્થો મળી આવતાં ધનરાજ ગઢવીની અટક કરી રૂ.30 હજારની કિંમતનું બાઇક અને રૂ.5,000 ની કિંમતના મોબાઇલ સહિત કુલ રૂ.1,27,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે મહાવીરસિંહ ભીખુભા વાઘેલા અને કાનમેરનો અશોકસિંહ હાલુભા જાડેજા હાજર મળ્યા ન હતા. ત્રણે સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી.