કચ્છમાં પ્રથમ વખત IPC 401 ની કલમ હેઠાણ અલગથી ગુનો નોંધાયો

પશ્ચિમ કચ્છમાં હાલ બાઇક ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે LCB એ ભુજ એ-બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી અગાઉ 7-7 વાહનોની ચોરી કરનારી ટોળકી વિરૂધ કચ્છમાં પ્રથમ વખત IPC 401 ની કડક કલમ હેઠણ અલગથી ગેંગનો ગુનો નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી ભુજ એ ડિવિઝન પોલીસને સોપ્યા હતા. પોલીસની કડક કાર્યવાહીથી વાહનચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

ભુજ શહેરમાં એ-બી ડિવિઝન પોલીસ મથકે મોટર સાયકલની ચોરીના કેસમાં પકડાઇ ચુકેલા અને અલગ અલગ જગ્યાએથી 3 મોટર સાયકલ, 3 બુલેટ અને 1 એક્ટિવા સહિત 7 વાહનોની ચોરીને અંજામ આપનાર ભુજની નવી રાવલવાડી હાઉસીંગ બોર્ડ સામે હરસિધ્ધિનગરમાં રહેતા સચીન ગૌતમભાઇ પાંડે (ઉ.વ.19), રઘુવંશીનગરમાં રહેતા કુણાલ ઉર્ફે કાનાભાઇ પ્રભુદાસ ઠકકર (ઉ.વ.27), અને ભચાઉના બટીયા વિસ્તાર આશાપીરની દરગાહ પાસે રહેતા અજગર અલીમામદ કુંભાર (ઉ.વ.27) નામના 3 ઇસમોની ધરપકડ કરી હતી.

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ વિરૂધ અલાયદી IPC ની કડક કલમ 401, 120(બી), 34 મુજબનો અલગથી ગુનો દાખલ કરાવ્યો છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં વધી રહેલા બાઇક ચોરીના બનાવો અટકાવવા ગેંગ બનાવીને વાહનોની ચોરી કરતી ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક સૌરભસિંહ દ્વારા તેમની મહત્વની શાખા LCB ના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમાને સુચના આપી હોઇ જે અનુસંધાને LCBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આરોપીઓ વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકે LCBના સબ ઇન્સ્પેકટર આઇ.એચ. હિંગોરાએ સરકાર તરફે ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો હતો.