મધદરિયે રૂ.350 કરોડનું ડ્રગ્સ પકડાયું પહેલીવાર મહિલા અધિકારી ટીમમાં સામેલ

copy image

ATS અને કોસ્ટગાર્ડે જખૌના દરિયામાં વધુ એક ઓપરેશન પાર પાડીને રૂ.350 કરોડની કિંમતના હેરોઈન ભરેલી પાકિસ્તાની બોટ સાથે 6 પાકિસ્તાનના નાગરિકની ધરપકડ કરી. ATSની ટીમે છેલ્લાં 4 વર્ષમાં 12 ઓપરેશનમાં રૂ.5477 કરોડનું 1075 કિલો ડ્રગ્સ પકડી પાડયું. જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન અને નાઈઝિરિયાના મળીને 47 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા ડ્રગ્સના જથ્થામાં 423 કિલો હેરોઈન અને 225 કિલો MD ડ્રગ્સનો સમાવેશ થયેલ છે.

પહેલીવાર આ ઓપરેશનમાં મહિલા PSI સામેલ થયા હતા. પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ 24 કલાકમાં સમુદ્રમાં રહીને તેમણે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું. ગુજરાત રાજ્યના D.G.P. આશિષ ભાટીયા એ આ ઓપરેશન વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે, ATS અને કોસ્ટગાર્ડની ટીમે બાતમીના આધારે જખૌ પાસેથી અલ – સાકર નામની પાકિસ્તાનની બોટ પકડી પાડી હતી. પોલીસે બોટની તલાસી લેતા તેમાંથી હેરોઈનના 1 – 1 કિલોના એવા 50 પેકેટમાંથી 50 કિલો હેરોઈન મળી આવ્યુ હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.350 કરોડ થાય છે. આ સાથે પોલીસે બોટમાં સવાર 6 પાકિસ્તાનના નાગરિકની ધરપકડ કરી.

જેમાં ઈબ્રાહીમ યુસુફ, શેહ મહંમદ, ઝાહીદ અબ્દુલ્લા,મોતીયા ઈદ્રીસ, મમતાજ હારુન અને અલી મોહંમદ નો સમાવેશ થાય છે. આ તમામ પાકિસ્તાનના કરાચીના રહેવાસી હતા. હેરોઈનનો આ જથ્થો પાકિસ્તાન બલોચીસ્તાનના ડ્રગ માફિયા મોહમદ કાદર એ પાકિસ્તાનના ઈબ્રાહીમ હૈદરી બંદરેથી મોકલ્યો હતો. વધુમાં D.G.P. ભાટીયા એ જણાવ્યું હતુ કે, બોટ સાથે પકડાયેલા 6 આરોપી પેડલર છે. જેથી જખૌ બંદરે ઉતર્યા બાદ આ હેરોઈનનો જથ્થો કોણ લઈ જવાનું હતુ તે વિશે તેમની પાસે કોઈ જ માહિતી નથી. જેથી પોલીસે તે દિશામાં તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી.

.