એજીસ લોજિસ્ટીક કંપનીમાં ગેસ લિકેજ થતાં અફરા તફરી મચી

gas-company
copy image

કંડલા ખાતે આવેલી એજીસ લોજિસ્ટિક કંપનીની LPG ગેસની પાઇપલાઇન માંથી અચાનક ગેસ લીકેજ થતાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો, જો કે કંપનીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક કાબુમાં લેવાની કાર્યવાહી કરાતાં સદ્દભાગ્યે લિકેજ કાબુમાં આવી ગયું હતું અને મોટી દૂર્ઘટના ટળી હતી.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, કંડલા ખાતે આવેલી એજીસ કંપનીની LPG ગેસની પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થયો હતો. હવામાં LPG ગેસ ફેલાતાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના બનતાં જ મચેલી દોડધામને કારણે કંપનીના જ કર્મચારીઓએ આ લિકેજ કાબુમાં લેવા પ્રયત્ન આદરી દીધા હતા.

આ બાબતે ફાયર ફાઇટર ટીમને જાણ કરાતાં તે પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. સદ્દભાગ્યે આ ગેસ લીકેજને કાબુમાં લઇ લેવાતાં મોટી દૂર્ઘટના ટળી હતી. આ પાઇપલાઇન નજીકથી જ વીજ કંપનીના તાર પસાર થાય છે તેમજ જો કાબુમાં ન આવી હોત તો શું હાલત થાત ? કેટલુ નુકશાન થાત? તે અંદાજ લગાડવો પણ મુશ્કેલ છે.

આ કંપનીની LPG ગેસની પાઇપલાઇન જ્યારે નખાઇ તે સમયે પણ વિવાદો બહાર આવ્યા હતા અને મોટા અકસ્માતનો અંદાજ  વ્યક્ત કરાયો હતો. ગેટકો દ્વારા પણ ડીપીએના સુપ્રીટેન્ડિંગ ઇજનેરને પત્ર પાઠવી પાઇપલાઇનની ઉંચાઇને ખતરનાક બાબત ગણાવી હતી.

વળી સેફ્ટી બાબતે લાગતા વળગતા તંત્રએ દેખરેખ રાખી કડક વલણ રાખવું જોઇએ તેના બદલે જો ધ્યાન નહીં અપાયું હોય ત્યારે જ આ પ્રકારની ઘટના બની હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવી આ LPG ગેસની પાઇપલાઇન હોય ત્યાં સુરક્ષાના તમામ નિયમોનું કડક પાલન કરાવવું જોઇએ તેમ જણાવ્યું હતું.