નખત્રાણાની બજારમાં આડેધડ પાર્કિંગથી રોજિંદા ટ્રાફિક સમસ્યા


છેલ્લા ઘણા સમયથી નખત્રાણાની મુખ્ય બજાર, વથાણ, બસ સ્ટેન્ડ, વીરાણી રોડ સહિતના વિસ્તારોમાં વાહનોના થતા આડેધડ પાર્કિંગના કારણે રાહદારીઓ તેમજ નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. મુખ્ય બજારમા ધૂમ સ્ટાઈલમાં પૂરપાટ દોડતા વાહનો પર લગામ કસવા તેમજ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પોલીસ પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
આગામી સમયમાં દિવાળીના તહેવારો આવે છે આ સમયે બજારમાં ભીડ જોવા મળે છે. અમુક વાહન ચાલકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરીને ચાલ્યા જતા હોવાથી રસ્તો સાંકડો થઈ જાય છે. જેના કારણે અન્ય નાના વાહન ચાલકોને તકલીફ પડે છે. તાજેતરમાં એક રીક્ષા ચાલકે શિક્ષકના વાહનમા રીક્ષા ભટકાવતા બબાલ થઈ હતી.
આવું તો અનેક વખત થાય છે પણ પોલીસ કાંઈ કરતી જ નથી તેવા આક્ષેપો જાગૃત નગરજનો કરી રહ્યા છે. અગાઉ PSI બોડાણા ફરજ પર હતા ત્યારે વ્યવસ્થા જળવાતી હતી પણ હાલે બજારમાં ટ્રાફિક સમસ્યા વકરી છે. ટ્રાફિક નિયંત્રણ માટે મુકેલા જવાબદારો પણ વથાણમાં ઉભા હોય છે પણ બજારમા થતી હાલાકી નિવારી શકતા નથી.