પ્રેમીએ દુષ્કર્મ આચરતા યુવતી સગર્ભા બની, યુવક જેલહવાલે


મોરબી તાલુકાના ગામની યુવતીને અગાઉ તેનો પ્રેમી ઉપડી ગયો હતો, યુવતીના પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા અને યુવતીના પ્રેમી સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, યુવતી પરિવારજનો સાથે જવાને બદલે રાજકોટના નારી સુરક્ષા ગૃહમાં રહેવા જતી રહી હતી તે યુવતીને પેટમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં ખસેડાતા યુવતી સગર્ભા હોવાનું તબીબોના નિદાનમાં સ્પષ્ટ થયું.
રાજકોટના યાજ્ઞિક રોડ પરના નારી સુરક્ષા ગૃહમાં રહેતી યુવતીને શનિવારે રાત્રે પેટમાં દુખાવો ઉપડતાં તેને સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી, તબીબોએ નિદાન કરતા યુવતીને ત્રણ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં મોરબી તાલુકા પોલીસ રાજકોટ દોડી આવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મોરબી તાલુકા પંથકની આ યુવતી સગીરવયની હતી ત્યારે તેને તેનો પ્રેમી ઉપાડી ગયો હતો, સગીરાના પિતાની ફરિયાદ પરથી સગીરાના પ્રેમી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, ગત તા.30 ઓગસ્ટના પોલીસે સગીરા કે જે હવે પુખ્તવયની થઇ ગઇ હતી તેને શોધી કાઢ્યા હતા, સગીરા સાથે તેના પ્રેમીએ અનેક વખત શરીરક સંબંધ બાંધ્યા હોવાનું ખૂલતાં પ્રેમી સામે દુષ્કર્મ સહિતની કલમનો ઉમેરો કરી તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો, યુવતી તેના પરિવારજનો સાથે જવા ઇચ્છતી ન હોવાથી તેને રાજકોટના નારી સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવી હતી, યુવતી પ્રેમીથી સગર્ભા બની હોવાનું તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.