“ડિજિટલ ગુજરાતની વાતો મોટી, પણ સરકારી વેબસાઈટના સર્વર રોજ કહે—આજે અમારી રજા!” – સંતોકબેન ભચુભાઈ આરેઠીયા

રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના સતત જાગૃત અને પ્રયત્નશીલ પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મુખ્ય સચિવશ્રી,મહેસૂલ વિભાગ, ગુજરાત સરકાર, તથા કરછ કલેક્ટરશ્રી સહીત NIC જિલ્લા ઇન્ફોર્મેટિક્સ અધિકારીશ્રી (DIO) ભુજ -કચ્છ સમક્ષ રજુઆત કરતા જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા “ડિજિટલ ગુજરાત” તથા ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવે છે અને સરકારી સેવાઓ ઓનલાઈન તથા સરળતાથી નાગરિકોને ઉપલબ્ધ કરાવવાનો સરકારનો અભિગમ છે પરંતુ બીજી તરફ નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ એવી E-Dhara, IORA તથા AnyROR જેવી ઓનલાઈન સેવાઓમાં વારંવાર સર્વરની ખામી સર્જાતી હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.હાલમાં પણ આ મહત્વપૂર્ણ સેવાઓના સર્વરમાં વિક્ષેપ/ખામીના કારણે જમીનના 7/12, 8-A, હક્કપત્રક, જમીન રેકોર્ડની નકલો, રેવન્યુ સંબંધિત અરજીઓ તથા અન્ય જરૂરી કામગીરી માટે આવતા અરજદારોને સેવા મળી રહી નથી અને કામગીરી અટકી રહી છે.ખાસ કરીને ખેડૂતો, જમીનમાલિકો, અરજદારો, વકીલો, દસ્તાવેજ લેખકો તથા ગ્રામ્ય વિસ્તારના સામાન્ય નાગરિકોને આ સમસ્યાના કારણે વારંવાર કચેરીના ધક્કા ખાવા પડે છે, સમય અને નાણાંનો વ્યય થાય છે તથા તેમની મહત્વપૂર્ણ કામગીરી અટવાઈ જાય છે.

સરકાર દ્વારા જ્યારે તમામ સરકારી સેવાઓને ડિજિટલ બનાવવાની દિશામાં ભાર મૂકવામાં આવે છે ત્યારે આવી મહત્વપૂર્ણ સેવાઓના સર્વરમાં વારંવાર ખામી સર્જાવવી એ ગંભીર વહીવટી બાબત છે.

        વધુમાં, જો સરકારશ્રી દ્વારા સર્વરનું મેઇન્ટેનન્સ, અપગ્રેડેશન અથવા ટેકનિકલ કામગીરી કરવાની હોય તો તે અંગે અગાઉથી આયોજન કરી રજાના દિવસો અથવા ઓછા વપરાશના સમયગાળા દરમિયાન કામગીરી કરવી જોઈએ.કામકાજના દિવસોમાં મહત્વપૂર્ણ સરકારી સેવાઓ બંધ રહે અને તેના કારણે સામાન્ય નાગરિકોને પરેશાન થવું પડે તે યોગ્ય નથી.

આથી , (૧) E-Dhara, IORA તથા AnyRORની હાલની સર્વર સમસ્યા તાત્કાલિક દૂર કરી તમામ સેવાઓ સંપૂર્ણ કાર્યરત કરવામાં આવે.(૨) હાલની ખામીનું કારણ શું છે, સર્વર ક્યારે બંધ થયું અને તેને ફરી કાર્યરત કરવામાં કેટલો સમય લાગ્યો તેની ટેક્નિકલ તપાસ કરવામાં આવે.(૩) વારંવાર સર્વર ડાઉન થવાના કારણો શોધી કાયમી ટેકનિકલ ઉકેલ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યા વારંવાર ઊભી ન થાય.(૪) જો સર્વરનું મેઇન્ટેનન્સ અથવા અપગ્રેડેશન જરૂરી હોય તો તે માટે પૂર્વનિયોજિત શેડ્યૂલ બનાવવામાં આવે અને શક્ય હોય ત્યાં સુધી જાહેર રજાના દિવસોમાં કામગીરી કરવામાં આવે.(૫) સર્વર બંધ રહેવાના સમયગાળા દરમિયાન નાગરિકોને વૈકલ્પિક વ્યવસ્થા અથવા Offline/Backup સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમની મહત્વપૂર્ણ કામગીરી અટકી ન જાય.(૬) E-Dhara, IORA અને AnyROR ના સર્વરની ક્ષમતા, Backup System તથા Disaster Recovery System ની ઉચ્ચ કક્ષાએ સમીક્ષા કરવામાં આવે.(૭) સંબંધિત IT એજન્સી/ટેકનિકલ ટીમ તથા જવાબદાર અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવે.

    આ સેવાઓ સાથે સીધી રીતે સામાન્ય નાગરિક, ખેડૂત અને જમીનમાલિકની રોજિંદી તથા મહત્વપૂર્ણ કામગીરી જોડાયેલી છે.સરકાર એક તરફ “ડિજિટલ ગુજરાત”ની વાત કરે અને બીજી તરફ જરૂરી સરકારી પોર્ટલના સર્વર બંધ રહેવાના કારણે નાગરિકોને કચેરીઓના ધક્કા ખાવા પડે તે પરિસ્થિતિમાં તાત્કાલિક સુધારો જરૂરી છે. અતઃ આ સમગ્ર બાબતે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરાવી E-Dhara, IORA તથા AnyRORની સેવાઓ સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવે અને ભવિષ્યમાં સર્વર સમસ્યાના કારણે નાગરિકોને પરેશાની ન થાય તેવી કાયમી ટેકનિકલ વ્યવસ્થા ઊભી કરવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ રાજય સરકાર સમક્ષ માંગ કરી હતી.