ભોરારા પાટિયા પાસે મુન્દ્રા પોર્ટ પર લઈ જવામાં આવતા ગેરકાયદે બ્લેકટ્રેપ ભરેલા 5 ડમ્પરો પકડાયા

કચ્છમાં બેફામ રીતે ખનિજનો વેપલો થઈ રહ્યો છે પણ જવાબદાર એવા ખાણ ખનીજ વિભાગ દ્વારા તટસ્થ રીતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી અવારનવાર પોલીસતંત્ર સુધી ફરિયાદ પહોંચે છે ત્યારે લોક ફરિયાદના આધારે ભુજ એલસીબીએ સપાટો બોલાવતા મુન્દ્રા પોર્ટ પર લઈ જવામાં આવતા 5 ડમ્પરો પકડી લેવાયા હતા.રોયલ્ટી વિના બ્લેકટ્રેપ ખનિજનું પરિવહન કરવામાં આવતું હોવાથી તેના ચાલકોની ધરપકડ કરીને 65.62 લાખનો મુદામાલ સિઝ કરાયો છે.
મુન્દ્રા તાલુકાના ફાચરીયા ગામથી વાંકી-પત્રી થઈ મુંદરા જતા રોડ પર ગેરકાયદે રીતે રોયલ્ટી વિના બ્લેક ટ્રેપ ખનિજનું પરિવહન કરવામાં આવતું હોવાની ફરિયાદો પોલીસને મળતા તેના આધારે એલસીબીએ ભોરારા પાટિયા નજીક વોચ ગોઠવી હતી. જે દરમ્યાન મુંદરા-અંજાર હાઈવે રોડ પર ભોરારા ગામના પાટીયા નજીક આવેલ મોમાય કૃપા હોટલની સામેના રોડ પર ગુંદાલા તરફથી આવતા ડમ્પરોને રોડ સાઈડમાં થોભાવી ચાલકો પાસે રોયલ્ટી કે આધાર – પુરાવા માંગવામાં આવ્યા હતાપરંતુ તેઓ રજૂ કરી શક્યા હતા નહિ.
જેથી કલમ 41-1ડી હેઠળ દસ લાખની કિંમતના ડમ્પર નંબર GJ 12 Z 9539, GJ 03 AW 4042, GJ 12 BV 0954, GJ 07 YY 6892 અને 25 લાખનું ડમ્પર નંબર GJ 12 BY 6112 જપ્ત કરાયું હતું તથા વાહનોમાં ભરવામાં આવેલ 173 ટન બ્લેક ટ્રેપ ખનિજ કિંમત રૂા.62,280 મળી કુલ 65,62,280નો મુદ્દામાલ સીઝ કરી મુંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ડમ્પર સાથે રહેલા ચાલકો બારોઈના ભાણજી વેલજી દાફડા, કુંદરોડીના નૌશાદખાન મૌતીનખાન, રાપર ગોવિંદ પરના બાબુભાઈ મોતીભાઈ ભરવાડ, અંજાર નવાનગરના સંજયભાઈ છગનભાઈ ખાંડેકા અને બનાસકાંઠા ચાણસમાના જીગર રામજીભાઈ દેસાઈની પૂછપરછ કરવામાં આવતા તેમણે કબૂલ્યું હતું કે,ફાચરીયા પાટીયાથી લફરા જતા રોડ પર ડાબી બાજુ આવેલ માંડણભાઈ રબારીની ખાણમાંથી શેઠ શૈલેષભાઈ આહિર, પૂર્વજીતસિંહ ભરતસિંહ જાડેજા અને જાનીભાઈ સોનીના કહેવાથી આ ખનિજ ભરવામાં આવ્યું હતું.
એલસીબી પીઆઇ સંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું કે,પાંચેય વાહનો સિઝ કરીને મુન્દ્રા પોલીસ સ્ટેશન મધ્યે રખાયા છે અને ગેરકાયદે રીતે ખનીજનું પરિવહન કરવામાં આવ્યું હોવાથી ખાણ ખનિજ વિભાગને રિપોર્ટ કરાશે. જેઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે.