ચીલોડા રોડ પર ઉભેલા ટ્રેક્ટરની પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માત સર્જાતા એકનું મોત

ગાંધીનગરના ઈસનપુરથી મોટા ચીલોડા તરફ જતાં રોડ ઉપર ઉભેલા ટ્રેક્ટરની પાછળ બાઈક ઘૂસી જતાં મહુંદ્રાનાં વૃદ્ધનું ગંભીર ઈજાઓ પહોચવાથી મૃત્યુ થયું હતું. જેથી ચીલોડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના મહુંદ્રા ગામમાં રહેતા પ્રકાશ મેસરીયાનાં પિતા વિનુભાઇ બાઇક લઈ દહેગામ મધ્યે ગયા હતા. ગઈકાલે સાંજના અંદાજે સાડા સાતેક વાગ્યે પ્રકાશને જાણ થઈ હતી કે તેના પિતાનો અકસ્માત થયો છે. જેથી તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મધ્યે લઈ જવાયા છે. આથી પ્રકાશ અને તેનો ભાઈ ગામના સરપંચ સહિતના લોકો ગાંધીનગર સિવિલ દોડી ગયા હતા.
​​​​​​​ જ્યાં ફરજ પરના ડોક્ટરે વિનુભાઇને ગંભીર ઈજાઓ પહોચવાથી મોત થયાનું ઘોષિત કર્યું હતું. ત્યારે પ્રકાશને માલુમ પડયું હતું કે, તેના પિતા વિનુભાઈ દહેગામથી ઘરે આવવા એકલા નીકળ્યા હતા. એ સમયે ઇસનપુરથી મોટા ચિલોડા તરફ રોડની સાઈડમાં ઉભેલા ટ્રેક્ટરની પાછળના ભાગમાં વિનુભાઈએ બાઈક અથડાવી દેવાના કારણે શરીરે ગંભીર ઈજાઓ પહોચવાથી તેમનું મૃત્યુ થયું હતું. આ વિશે ચીલોડા પોલીસે ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી હતી.