ધોળાકૂવા પાસે મેટ્રોના સામાનની ચોરી કરી ફરાર થયેલા ચોરની ગાડી પલટી

copy image

ગાંધીનગરમાં મેટ્રો ફેઝ-2ની કામગીરી ચાલી રહી છે. ત્યારે ધોળાકુવા પાસેથી કામગીરમાં ઉપયોગમાં લેવાતા સામાનની તસ્કરી થઈ હતી. ઘટનાની વિગત અનુસાર મેટ્રોની કામગીરી માટે ધોળાકુવા રક્ષાશક્તિ સર્કલ નજીક આવેલા મેટ્રો લાઈના થાભલા પાસે લોખંડની ગડરો અને પાઈપો મુકેલી હતી. રાત્રીના દોઢેક વાગ્યેના અરસામાં ઈકો અહીં આવી હતી. ગાડીમાં આવેલા કેટલા ઇસમો અહીં પડેલો સામાન ચોરી કરતાં હતા. ફરજ પર રહેલાં સિક્યુરિટી ગાર્ડને નજરે પડતાં તેણે બુમ પાડતાં ચોર ગાડી લઈને ભાગ્યા હતા. જેથી સિક્યુરીટી ગાર્ડે સિક્યુરિટી એજન્સીના સંચાલકને જાણ કરી હતી.

જેને પગલે અમદાવાદ મધ્યે રહેતાં અશોકભાઈ બ્રહ્મભટ્ટ ગાંધીનગર પહોચી આવ્યા હતા. જ્યાં સાઈટ સુપરવાઈઝર દીપકભાઈ હાજર હતા. જેમને સાથે રાખીને તપાસ કરતાં 370 કિલોની લોખંડની 15 ગડરો, 314 કિલોની લોખંડની 45 પાઈપો થતાં 30 કિલોનો એક ફર્મો ગૂમ હતી. જેમાં ગડરોની કિંમત 25,900, પાઈપોની કિંમત 25,200 તથા ફર્માની કિંમત 4 હજાર થાય છે.

જેથી સિક્યુરિટી એજન્સી દ્વારા 55,100ની કિંમતના 715 કિલો લોખંડની તસ્કરી અંગે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ધોળાકુવા પાસેથી ચોરી કરીને નીકળેલી ઈકો ગાડીને ઘ-2 સર્કલ પાસે જ અકસ્માત નડ્યો જેમાં કોઈ કારણોસર ઈકો ગાડી પલટી મારી ગઈ હતી. જોકે તેમાં સવાર ચોર પલાયન થઈ ગયા હતા. જેને પગલે પોલીસે ગાડી સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને તેના નંબરના આધારે તપાસ શરૂ કરી છે.