વઢવાણમાં રસ્તાનું કામ કરતાં એકાએક ગેસની મુખ્ય લાઇન તૂટતા દોડધામ મચી

copy image

વઢવાણ શહેરના સોમપુરાની વાડી પાસે રવિવારે રસ્તાનું કામ ચાલુ હતું ત્યારે એકાએક ગેસનું મુખ્ય લાઇન તૂટી જતાં દોડધામ મચી હતી. ગંભીરતાને લઇને લોકો ઘરની બહાર નીકળી ગયા જ્યારે વઢવાણ, જોરાવરનગર અને રતનપર તરફની મુખ્ય ગેસ લાઇનનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.

રવિવારે વઢવાણમાં સોમપુરાની વાડી નજીક રસ્તાઓનું કામકાજ ચાલુ હતું તે દરમિયાન જેસીબીથી થતી કામગીરી દરમિયાન ગેસની મુખ્ય પાઇપલાઇન તૂટી જતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. કેટલાક ઘરોમાંથી લોકો બહાર પણ નીકળી ગયા હતા. રસ્તાની વચ્ચે જ ગેસની લાઇન હતી.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને વઢવાણ, જોરાવરનગર તથા રતનપર તરફની લાઇનથી પૂરો પડાતો ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ ગેસની મુખ્ય લાઇન તૂટવાની ઘટનામાં કોઇ જાનહાનિ ન થતા લોકો તેમજ તંત્રે રાહત અનુભવી હતી.